પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાથે સંકળાયેલા કેટલાક સ્થાનિક નેતાઓ સામે ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આરોપોને લઈને લોકોનો અસંતોષ ખુલ્લેઆમ સામે આવી રહ્યો છે. રાજ્યમાંથી તાજેતરમાં સામે આવેલા બે અલગ-અલગ બનાવોએ રાજકીય માહોલ ગરમાવ્યો છે. એક ઘટનામાં મનરેગા ફંડમાં ગેરરીતિના આરોપોનો સામનો કરી રહેલા TMC કાર્યકરને ગ્રામજનોએ જાહેરમાં જૂતાંની માળા પહેરાવીને ફેરવ્યો હતો, જ્યારે બીજી ઘટનામાં પોલીસથી બચવા માટે એક સ્થાનિક TMC નેતા કપડાંની દુકાનના સ્ટોરરૂમમાં સાડીઓના ઢગલા નીચે છુપાયેલો મળી આવ્યો હતો.
આ બંને ઘટનાઓ બાદ રાજ્યમાં સ્થાનિક સ્તરે ભ્રષ્ટાચાર અને કથિત વસૂલીના મુદ્દાઓ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે.
મનરેગા ફંડ ગેરરીતિના આરોપો બાદ ગ્રામજનોએ કર્યો વિરોધ
પ્રથમ ઘટના પશ્ચિમ બંગાળના શ્યામપુર વિસ્તારની હોવાનું જણાવવામાં આવે છે. અહેવાલો મુજબ TMC સાથે સંકળાયેલા સન્ન્યાસી મન્ના સામે 100 દિવસ રોજગાર યોજના (મનરેગા)ના નાણાંમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગ્યા હતા.
સ્થાનિક લોકોમાં લાંબા સમયથી આ મુદ્દે અસંતોષ હોવાનું જણાવવામાં આવે છે. ત્યારબાદ મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થયા અને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું. આક્રોશિત લોકોએ સન્ન્યાસી મન્નાનું માથું મુંડાવી દીધું, તેના ગળામાં જૂતાંની માળા પહેરાવી અને કમરે દોરડું બાંધીને સમગ્ર વિસ્તારમાં ફેરવ્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આરોપીને ભીડમાંથી છોડાવી સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.
હાવડામાં TMC નેતા સાડીઓના ઢગલા નીચે છુપાયેલો ઝડપાયો
બીજી ચર્ચાસ્પદ ઘટના હાવડા જિલ્લાના ઉદયનારાયણપુર વિસ્તારમાં સામે આવી હતી. અહીં TMC સાથે સંકળાયેલા સ્થાનિક નેતા બ્રહ્માનંદ ચક્રવર્તીની ધરપકડનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો.
બ્રહ્માનંદ ચક્રવર્તી સામે સરકારી આવાસ યોજનામાં લાભાર્થીઓ પાસેથી કથિત રીતે ‘કટ મની’ લેવાના તેમજ જબરદસ્તી વસૂલી કરવાના આરોપો છે. આ ફરિયાદોના આધારે પોલીસ તેમની શોધખોળ કરી રહી હતી.
જ્યારે પોલીસ તપાસ માટે પહોંચી ત્યારે બ્રહ્માનંદ ચક્રવર્તી એક કપડાંની દુકાનના સ્ટોરરૂમમાં સાડીઓના મોટા ઢગલા નીચે છુપાઈ ગયો હોવાનું કહેવાય છે. જોકે તલાશી દરમિયાન પોલીસને શંકા જતાં સાડીઓના બંડલો હટાવવામાં આવ્યા હતા અને તે ત્યાંથી મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી હતી.
રાજકીય હિંસાના કેસોની પણ તપાસ
માહિતી મુજબ બ્રહ્માનંદ ચક્રવર્તી સામે માત્ર કટ મની અને વસૂલીના આરોપો જ નહીં પરંતુ 2021ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ થયેલી રાજકીય હિંસાના કેટલાક કેસોની પણ તપાસ ચાલી રહી છે.
પોલીસ દ્વારા વિવિધ ફરિયાદો અને પુરાવાઓના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
ભ્રષ્ટાચારના મુદ્દે ફરી રાજકીય ગરમાવો
પશ્ચિમ બંગાળમાંથી સામે આવેલી આ બંને ઘટનાઓએ રાજ્યના રાજકીય માહોલને ફરી ગરમાવ્યો છે. સ્થાનિક સ્તરે ભ્રષ્ટાચાર, મનરેગા ફંડના ઉપયોગ અને સરકારી યોજનાઓમાં કથિત ગેરરીતિઓના મુદ્દાઓને લઈને વિરોધ પક્ષો પણ સરકાર પર નિશાન સાધી રહ્યા છે.
એક તરફ લોકોનો અસંતોષ જાહેરમાં ફાટી નીકળતો જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ પોલીસ કાર્યવાહીથી બચવા માટેના પ્રયાસો પણ ચર્ચાનો વિષય બન્યા છે. આગામી દિવસોમાં આ બંને કેસોમાં વધુ તપાસ અને કાનૂની કાર્યવાહી થવાની શક્યતા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel