કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2025ના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરશે, જેમાં રેલ્વે માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરવાની આશા છે.
આ બજેટમાં રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા, ટ્રેનોમાં આધુનિક સુવિધાઓ ઉમેરવા અને મુસાફરોની યાત્રાને વધુ આરામદાયક બનાવવા માટે વિવિધ યોજનાઓનો સમાવેશ થવાની શક્યતા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે છેલ્લા 11 વર્ષમાં રેલ્વે ક્ષેત્ર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેમાં ટેકનોલોજી અપગ્રેડ, નવી ટ્રેનોના પ્રારંભ અને રેલ્વે સ્ટેશનોના આધુનિકીકરણ જેવી પહેલો જોવા મળી છે.
આ બજેટમાં વધુ સુધારાઓ અને પહેલોની જાહેરાત થવાથી મુસાફરો માટે ટ્રેન પ્રવાસ વધુ સુખદ અને અનુકૂળ બનશે એવી અપેક્ષા છે.
રેલવેમાં પેસેન્જર સુવિધાઓ સુધારવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે રેલ મુસાફરીને સુરક્ષિત બનાવવા માટે રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ ઉપરાંત મુસાફરોની સુવિધા વધારવા માટે દેશભરના રેલવે સ્ટેશનોનો દેખાવ બદલવામાં આવી રહ્યો છે. શરૂઆતમાં આ માટે ઘણા મોડેલ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. અહીં, મુસાફરીનો સમય ઘટાડવા માટે, વધુ સ્પીડ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. વંદે ભારત અને તેજસ તેના ઉદાહરણ છે. સમગ્ર રેલ નેટવર્કમાં માત્ર LHB કોચના ઉપયોગ પર ફોકસ વધારવામાં આવ્યું છે. ઘણી રેલ કોચ ફેક્ટરીઓ હવે માત્ર LHB કોચનું ઉત્પાદન કરી રહી છે.
રેલવેમાં ATP સિસ્ટમ લાગુ કરવાની યોજના
એમ પણ જાણવા મળ્યું છે કે ટૂંક સમયમાં રેલ નેટવર્કમાં એટીપી સિસ્ટમ લાગુ કરવાની સૂચના જારી થઇ શકે છે. રેલવે સૂત્રોનું કહેવું છે કે ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં નાણા પ્રધાન નિર્મલા સીતારમણે રેલવે મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી. તેમણે ટૂંક સમયમાં સમગ્ર રેલ નેટવર્કમાં કવચ સિસ્ટમ લાગુ કરવા જણાવ્યું હતું. આ એક ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન (ATP) સિસ્ટમ છે, જેને સ્વદેશી રીતે વિકસાવવામાં આવી છે. તેને તબક્કાવાર સમગ્ર રેલ નેટવર્કમાં લાગુ કરવાની યોજના છે. આનાથી રેલ્વે અકસ્માતોની સંભાવના નોંધપાત્ર રીતે ઘટશે. જાણકારોનું કહેવું છે કે રેલ્વે સુરક્ષા પર સરકારના વધુ ફોકસની અસર દેખાઈ રહી છે. જોકે, આ અંગે હજી ઘણા સુધારા કરવાની જરૂર છે.
રેલવેના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે કવચ સિસ્ટમ લાગુ કરવા માટે કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. હાલમાં આ સિસ્ટમ દિલ્હી-હાવડા અને દિલ્હી-મુંબઈ સેક્શનના 3000 કિલોમીટર લાંબા રૂટ પર લાગુ કરવામાં આવી રહી છે. સૂત્રોનું કહેવું છે કે નવી રેલ્વે લાઈન નાખવાની સાથે રેલ્વેનું ફોકસ હાલની રેલ્વે લાઈનના વિદ્યુતીકરણ પર છે. આ માટે 2025ના કેન્દ્રીય બજેટમાં રેલવે માટેની ફાળવણીમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે. 23 જુલાઈ, 2024ના રોજ રજૂ કરાયેલા બજેટમાં સરકારે રેલવે માટે કોઈ મોટી જાહેરાત કરી ન હતી. તેથી હવે આવનારા બજેટમાં રેલવે માટે મોટી જાહેરાતોની અપેક્ષા પણ વધી ગઈ છે.
નવા રૂટ પર વંદે ભારત સ્લીપર ટ્રેનોની જાહેરાત
સૂત્રોએ જણાવ્યું છે કે, સરકારે રેલવેને પહેલાથી જ 40,000 સામાન્ય ટ્રેનના કોચની જગ્યાએ વંદે ભારત કોચનો ઉપયોગ કરવાની સૂચના આપી દીધી છે. તેનો ઉદ્દેશ્ય મુસાફરોની સુવિધા, સલામતી અને મુસાફરીના અનુભવને બહેતર બનાવવાનો છે. 1 ફેબ્રુઆરી, 2025ના રોજ રજૂ થનારા બજેટમાં નાણા પ્રધાન નિર્મલા સીતારમણ નવા રૂટ પર વંદે ભારત સ્લીપર ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી શકે છે. વંદે ભારત સ્લીપર કોચનું ઉત્પાદન રેલ કોચ ફેક્ટરીઓમાં ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. તેનાથી રેલ્વે મુસાફરી કરતા લોકોને ઘણો ફાયદો થશે.