ભારતીય રેલ્વેના લાખો કર્મચારીઓને બહુ જલ્દી ખુશખબર મળવાના છે. સરકાર ટૂંક સમયમાં રેલવે કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી શકે છે. દિવાળી બોનસ તરીકે કર્મચારીઓને દર વર્ષે તેમના 78 દિવસના પગાર જેટલી રકમ આપવામાં આવે છે. આ પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ રેલ્વેના તમામ નોન-ગેઝેટેડ કર્મચારીઓને ઉત્પાદકતા અને પ્રેરણા વધારવા માટે આપવામાં આવે છે. જોકે, આ વર્ષે ઈન્ડિયન રેલવે એમ્પ્લોઈઝ ફેડરેશન એ રેલ્વેને પત્ર લખીને તેની PBL વધારવાની માંગ કરી છે.
7મા પગાર પંચ અનુસાર પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ મળશે
IREFએ તેના પત્રમાં જણાવ્યું હતું કે રેલ્વેએ 1 જાન્યુઆરી, 2016 ના રોજ 7મા પગાર પંચની ભલામણોને અમલમાં મૂકી હોવા છતાં PLB હજુ પણ 6ઠ્ઠા પગાર પંચ દ્વારા નિર્ધારિત લઘુત્તમ પગારના આધારે ગણવામાં આવે છે અને ચૂકવવામાં આવે છે. છઠ્ઠા પગાર પંચમાં ગ્રુપ ડીના કર્મચારીઓ માટે લઘુત્તમ પગાર માત્ર 7000 રૂપિયા હતો જ્યારે 7માં પગાર પંચમાં તેને વધારીને 18,000 રૂપિયા કરવામાં આવ્યો હતો.
કર્મચારીઓને ઘણો ફાયદો થશે
ફેડરેશન અનુસાર, તમામ ગ્રુપ સી અને ગ્રુપ ડીના કર્મચારીઓને માત્ર 17,951 રૂપિયા મળે છે, જે 7000 રૂપિયાના ન્યૂનતમ માસિક પગારના આધારે ગણવામાં આવે છે. તેમની માંગ છે કે 7મા પગાર પંચની ભલામણો અનુસાર લઘુત્તમ વેતનને ધ્યાનમાં રાખીને તેને વધારીને 46,159 રૂપિયા કરવામાં આવે.
કોરોના કાળમાં બહાદુરીથી લડ્યા હતા
ફેડરેશને તેના પત્રમાં જણાવ્યું હતું કે, “COVID-19 દરમિયાન, જ્યારે દેશવ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યું હતું અને લોકો તેમના ઘરની બહાર નીકળવામાં ડરતા હતા, ત્યારે રેલ્વે કર્મચારીઓએ ટ્રેનોનું સંચાલન ચાલુ રાખવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. તેમણે ખૂબ પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવો પડ્યો હતો.
કર્મચારીઓમાં અસંતોષ?
ફેડરેશને કહ્યું કે રેલવેએ તેની કામગીરીમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. જેના કારણે રેલવેની આવકમાં પણ વધારો થયો છે. ખુદ રેલવેએ તેના ત્રિમાસિક બુલેટિનમાં આ વાતનો સ્વીકાર કર્યો છે. ફેડરેશને કહ્યું છે કે પીએલબીના મુદ્દાને લઈને કર્મચારીઓમાં ઘણો અસંતોષ છે અને બોર્ડે આ મુદ્દાને વહેલી તકે ઉકેલવો જોઈએ.
ગયા વર્ષે ઓક્ટોબરમાં PLBની જાહેરાત કરતી વખતે, રેલ્વે મંત્રાલયે કહ્યું હતું કે 11.27 લાખ નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીઓને બોનસનો લાભ મળવાની સંભાવના છે. જેમાં રેલ્વે કર્મચારીઓને 78 દિવસ માટે પીએલબીની ચૂકવણી માટે સરકાર પર 1832.09 કરોડ રૂપિયાનો બોજ અંદાજવામાં આવ્યો હતો. PLB ની ચુકવણી માટે નિર્ધારિત પગાર ગણતરી મર્યાદા રૂ. 7,000/- પ્રતિ મહિને છે. 78 દિવસ માટે લાયક રેલવે કર્મચારી દીઠ ચૂકવવાપાત્ર મહત્તમ રકમ રૂ. 17,951 છે.