ગુજરાતમાંથી બિપરજોય વાવાઝોડું પસાર થયા બાદ હજુ પણ તેની અસર જોવા મળી રહી છે. જેના પગલે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. રાજકોટમાં આજે સવારે 7થી 8 વાગ્યામાં એક કલાકમાં જ 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના પગલે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો ઉપલેટામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ઉપલેટામાં ગત રાતથી અત્યાર સુધીમાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે.
રાજકોટમાં સવારથી જ ભારે પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે શહેરના અલગ અલગ નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના લુલુડી વોકળી, સિંદૂરીયા ખાણ પાસેની ઝૂપડપટ્ટી વિસ્તારમાં પાણી ભરાયા છે. લોકોના ઘરોમાં પાણી ભરાતા ભક્તિનગર પોલીસની ટીમે લોકોને સલામત સ્થળે ખસેડવા કામગીરી હાથ ધરી હતી. આ ઉપરાંત લોકોને રહેવા જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
રાજ્યની મોટાભાગની શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ છે. રાજકોટમાં પણ જિલ્લાની શાળા કોલેજોમાં એક દિવસની રજા લંબાવાઈ છે. ગઈકાલે મધરાત્રે વાવાઝોડુ લેન્ડ ફોલ થતાં રાજકોટમાં સવારથી જ ભારે પવન સાથે વરસી રહ્યો છે. વરસાદની સ્થિતને જોતા જિલ્લાની તમામ શાળા કોલેજમાં રજા લંબાવી દેવાઈ છે. જેના પગલે આજે પણ જિલ્લાની શાળા કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. જિલ્લા શિક્ષણાધિકારીના આદેશ મુજબ શાળાના સ્ટાફે શાળામાં હાજર રહેવાનુ રહેશે અને જરૂર પડે તો શેલ્ટર હોમમાં કામગીરીમાં સહકાર આપવા તથા અસરગ્રસ્ત વિસ્તારોમાં વહીવટીતંત્રને સૂચવે તે રીતે કામગીરી અને વહીવટીતંત્રને સંપૂર્ણ મદદગાર રહેવા જણાવાયુ છે.
બિપરજોય વાવાઝોડાની અસરના પગલે ઉપલેટામાં પણ ગત રાતથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અત્યાર સુધી 6 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપલેટામાં પડેલ ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે. ઉપલેટામાં હજુ પણ ભારે પવન સાથે વરસાદ વરસવાનું પડી રહ્યો છે.
રાજકોટમાં સતત વરસાદને કારણે એરપોર્ટ સટડાઉન રહેશે. બપોર બાદની ફલાઇટો પણ રદ્ કરવામાં આવી છે. જેના પગલે ઇન્ટરનેશનલ કનેક્ટિવીટી ખોરવાઈ છે. ફ્લાઈટો રદ થતાં પેસેન્જરો પણ મુશ્કેલીમાં મુકાયા છે. આ ઉપરાંત રાજકોટમાં નુકશાન અંંગેની વાત કરીએ તો કોવિડ હોસ્પિટલના ટેન્ટ ઉડ્યા હતા તો ભારે પવનને કારણે ચૌધરી હાઇસ્કૂલમાં તૈયાર કરવામાં આવેલી પોર્ટેબલ હોસ્પિટલના ટેન્ટને પણ નુકસાન થયું હતું.