મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદ , મેઘગર્જના, વીજળીના પ્રચંડ કડાકા,તોફાની પવનનો માહોલ સર્જાયો છે.આમ પણ મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા લાંબા સમયથી ગાજવીજ, તીવ્ર પવન સાથે વરસાદ -કરાનું તોફાની વાતાવરણ સર્જાઇ રહ્યું છે.હવામાન ખાતાએ એવો વરતારો આપ્યો છે કે આવતા ચાર દિવસ એટલે કે તા. આઠમી મે સુધી મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રમાં સાંજે આકાશમાં કાળાં ડિબાંગ વાદળાંનો જમઘટ જામે. સાથોસાથ મેઘગર્જના, વીજળીના ચમકારા -કડાકા, તીવ્ર ગતિએ પવન સાથે વરસાદી માહોલ પણ સર્જાય તેવાં કુદરતી પરિબળો ઘુમરાઇ રહ્યાં છે.
મુંબઇમાં આવતા ૪૮ કલાક દરમિયાન સાંજે ગાજવીજ, તીવ્ર પવન સાથે હળવી વર્ષાનું વાતાવરણ સર્જાય તેવી શક્યતા છે.સાથોસાથ નજીગનાં થાણે અને પાલઘરમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસે તેવી સંભાવના છે.
આજે કોલબામાં મહત્તમ તાપમાન ૩૨.૬ અને લઘુત્તમ તાપમાન ૨૬.૦ ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૨.૪ અને લઘુત્તમ તાપમાન ૨૫.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.કોલાબામાં ભેજનું પ્રમાણ ૭૭ -૬૦ ટકા જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ૭૦-૬૦ ટકા નોંધાયું હતું.
બીજીબાજુ ૭,મે દરમિયાન બંગાળના ઉપસાગરના અગ્નિ હિસ્સામાં લો પ્રેશર(હવાના હળવા દબાણનું કેન્દ્ર સર્જાવાની શક્યતા છે. ત્યારબાદ ૮,મે દરમિયાન ડિપ્રેશનની પરિસ્થિતિ પણ સર્જાય અને પરિણામે બંગાળના અખાતમાં સાયકલોન સર્જાય તેવાં કુદરતી પરિબળો પણ ઘુમરાઇ રહ્યાં છે.
હવામાન ખાતાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સુનિલ કાંબળેએ ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે હાલ મધ્ય પ્રદેશથી છેક તામિલનાડુ સુધીના આકાશમાં વિરુદ્ધ દિશાના પવનોની જબરી ટક્કર થઇ રહી છે. વળી, હાલ છત્તીસગઢના ગગનમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની પણ અસર છે.ઉપરાંત, ૫, મે બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સર્જાય અને તેની અસર આખા ઉત્તર-પશ્ચિમ ભારતમાં થાય તેવાં પરિબળો પણ આકાર લઇ રહ્યાં છે.
ભૂમધ્ય મહાસાગર અને તેની નજીકના વિસ્તારમાં ઉષ્ણકટિબંધનાં તોફાન સર્જાય ત્યારે તેની અસરથી ઠંડુ વાતાવરણ અને વરસાદ માહોલ પણ સર્જાય. હવામાનના આ ફેરફારની સીધી અસર ભારત સહિત નજીકના બંગલા દેશ, ચીન, પાકિસ્તાન,શ્રીલંકા વગેરે દેશમાં પણ થાય. હવામાનના આ પરિવર્તનને હવામાનશાસ્ત્રની ભાષામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહેવાય છે.
આવાં અચાનક બદલાઇ રહેલાં કુદરતી પરિબળોની વ્યાપક અસરથી આવતા આવતા ચાર દિવસ(૫થી ૮ -મે) દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર(ધુળે,નંદુરબાર, નાશિક, પુણે, જળગાંવ, અહમદનગર,કોલ્હાપુર, સાંગલી, સાતારા), મરાઠવાડા(સંભાજીનગર, જાલના, પરભણી, હિંગોળી, બીડ, નાંદેડ, લાતુર,ધારાશિવ),વિદર્ભ (અકોલા,અમરાવતી,ભંડારા,બુલઢાણા, ચંદ્રપુર,ગઢચિરોળી, નાગપુર, વર્ધા,ગોંદિયા, વાશીમ,યવતમાળ)માં ગાજવીજ, તોફાની પવન સાથે કમોસમી વર્ષાનું વાતાવરણ સર્જાય તેવો વરતારો છે.