અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ અયોધ્યાના ગર્ભગૃહમાં થવાની છે. આ દરમિયાન, પ્રખ્યાત ટીવી શો રામાનંદ સાગરની સિરિયલ ‘રામાયણ’માં શ્રીરામ માતા સીતા અને લક્ષ્મણની ભૂમિકા ભજવનાર સ્ટારકાસ્ટ અરુણ ગોવિલ, દીપિકા ચિખલિયા અને સુનીલ લાહિરી આજે એટલે કે 17 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચ્યા હતા.
આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે બોલિવૂડના ઘણા સ્ટાર્સ અયોધ્યા પહોંચશે.
અયોધ્યાવાસીઓએ અરુણ ગોવિલનું સ્વાગત કર્યું
જ્યારે અરુણ ગોવિલ ત્યાં પહોંચ્યા ત્યારે અયોધ્યાવાસીઓએ તેમને હાર પહેરાવી અને ફૂલોની વર્ષા કરીને તેમનું સ્વાગત કર્યું. ત્યાં હાજર લોકોએ તેમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા. એરપોર્ટ પહોંચ્યા બાદ તેઓ મંદિર પરિસરમાં જવા માટે રવાના થયા હતા. સોશિયલ મીડિયા પર અરુણ ગોવિલના વીડિયો પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘ભગવાન રામ વિમાનમાં સવાર થઈને અયોધ્યા પહોંચ્યા છે.’
અન્ય એક યુઝરે લખ્યું- આજે પણ લોકો તમારામાં શ્રી રામની છબી જુએ છે. રામ નામ સાંભળતા જ મનમાં પહેલો ચહેરો તમારો સામે આવે છે.
અરુણ ગોવિલે કહ્યું, ‘અયોધ્યાનું રામ મંદિર આપણું રાષ્ટ્ર મંદિર હશે’
અરુણ ગોવિલ અયોધ્યા પહોંચ્યા અને ત્યાં પ્રસાદ તરીકે ખિચડી ખાધી. તેમણે ટ્વિટર પર અયોધ્યા સાથે જોડાયેલા ઘણા વીડિયો શેર કર્યા છે. ત્યાં હાજર મીડિયા સાથે વાત કરતા અભિનેતા અરુણ ગોવિલે કહ્યું, ‘અયોધ્યાનું રામ મંદિર આપણું રાષ્ટ્ર મંદિર સાબિત થશે.’
તેમણે કહ્યું, ‘જે સંસ્કૃતિ છેલ્લા કેટલાક વર્ષોમાં દુનિયાભરમાં ધૂંધળી થઇ ગઈ હતી, આ મંદિર ફરી એક સંદેશ આપશે જે આપણી સંસ્કૃતિને મજબૂત કરશે. આ આપણો વારસો છે, જે આખી દુનિયા જાણશે. આ મંદિર આપણી આસ્થાનું કેન્દ્ર છે.’ અભિનેતાએ કહ્યું કે, ‘તેઓ જાણતા હતા કે એક દિવસ ભગવાન રામનું મંદિર બનશે. પરંતુ આ રીતે ભવ્ય પ્રાણ-પ્રતિષ્ઠાનું આયોજન થશે એવું વિચાર્યું ન હતું. આ ખાસ ક્ષણને રૂબરૂ જોવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું.’
પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહેવું મારુ સૌભાગ્ય છે – સુનિલ લહેરી
લક્ષ્મણનું પાત્ર ભજવનાર સુનીલ લહેરીએ કહ્યું, ‘હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. મને અહીં આવવાની તક મળી રહી છે જેના વિશે મેં ક્યારેય વિચાર્યું ન હતું. દેશમાં સર્જાયેલું વાતાવરણ ખૂબ જ ધાર્મિક અને ઘણું સારું છે.’
અભિનેતાએ કહ્યું, ‘જે લોકો ભગવાન રામને નકારે છે, તેઓ નથી જાણતા કે શ્રી રામ શું છે. જ્યાં સુધી કોઈ રામાયણ નહીં વાંચે ત્યાં સુધી તેમને શ્રી રામ શું છે તે સમજાશે નહીં. ભગવાન મર્યાદા પુરુષોત્તમ છે, તે આપણને શીખવે છે કે આપણે કેવી રીતે સન્માન સાથે જીવવું જોઈએ. શ્રી રામના અસ્તિત્વને નકારનારાઓને આ શિક્ષણ ન આપી શકાય.’
અમારી છબી લોકોએ હૃદયમાં વસી ગઈ છે- દીપિકા ચીખલીયા
દેવી સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયાએ કહ્યું, ‘અમારી છબી લોકોના હૃદયમાં વસી ગઈ છે. મને નથી લાગતું કે રામ મંદિરના નિર્માણ પછી પણ તેમાં કોઈ ફેરફાર થશે. અમને હંમેશા આવો જ પ્રેમ મળશે.’
અભિનેતા અરુણ ગોવિલ, સુનિલ લહેરી અને દીપિકા ચિખલિયા પણ 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપશે.