સુપ્રસિદ્ધ તીર્થસ્થાન સૌરાષ્ટ્ર નિમ્બાર્ક ધામ, મોટા મંદિર લીંબડીમાં આગામી સપ્તાહથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, રામકથા અને મહાયજ્ઞનું ભવ્ય અને દિવ્ય આયોજન થયું છે. મોરારિબાપુના વ્યાસાસને રામકથા લાભ મળનાર છે. મહંત લલિતકિશોરશરણજી અને મોટા મંદિર સેવા સમિતિ દ્વારા વિરાટ આયોજન થયું છે.
શનિવાર તા.૩થી સોમવાર તા.૧૨ દરમિયાન અહી યોજાનાર વિવિધ ઉપક્રમોમાં સ્થાનિક તેમજ ભારતવર્ષની ધાર્મિક જગ્યાઓનાં સંતો, ગાદીપતિઓ, વિદ્વાનો, રાજકીય અગ્રણીઓ સહિત મહાનુભાવો મોટી સંખ્યામાં અહી જોડાનાર છે. મોરારિબાપુના વ્યાસાસને શનિવાર તા.૩થી રવિવાર તા.૧૧ દરમિયાન રામકથા લાભ મળશે, જે માટે વિશાળ મંડપ અને પૂરક વ્યવસ્થાઓ ગોઠવાઈ છે.
ઝાલાવાડના છોટે કાશી લીંબડીમાં ભગવાન ચતુર્ભુજરાયને ભવ્ય મંદિરમાં પ્રતિષ્ઠા વિધિ સાથે સ્થાપિત કરશે. આ વિધિમાં લીંમડી રાજ પરિવાર સાથે સાધુ સંતો જોડાશે. પ્રવર્તમાન મંદિરની પૂનઃ પ્રાણ પ્રતિષ્ઠા સાથે અહી ગણેશજી, રાધા માધવ ભગવાન, હંસ ભગવાન, નિમ્બાર્ક ભગવાન, નારદજી, સનકાદિકજી, હનુમાનજી, ગરુડજી અને દેવાધિદેવ સર્વેશ્વર મહાદેવ પૂર્ણ પંચાયત સાથે બિરાજમાન થશે.
આગામી સપ્તાહે આ ભવ્ય અને દિવ્ય આયોજનોની વિગત મુજબ શુક્રવાર તા.૨ સવારે નૂતન મંદિર તથા નૂતન સંત નિવાસ વાસ્તુ પૂજા થશે. શનિવાર તા.૩ સવારે મહોત્સવ પ્રારંભ થશે. અહી બપોરે રામકથા પોથીયાત્રા યોજાશે અને દીપ પ્રાગટ્ય સાથે કથા પ્રારંભ થશે. શનિવાર તા.૧૦થી સોમવાર તા.૧૨ દરમિયાન દિવ્ય ૧૧૧૧ કુંડાત્મક મહાવૈષ્ણવયાગ પ્રસંગે આગલા દિવસે શુક્રવાર તા.૯ સાંજે શોભાયાત્રા નગરયાત્રા યોજાશે. રવિવાર તા.૪ બપોરે વિરાટ ધર્મસભા અને સંત મિલન લાભ મળશે. આ મહોત્સવ સમાપન સોમવાર તા.૧૨ના થશે.
સેવા, સહાય અને સંસ્કાર સાથેના આ વિરાટ મહોત્સવમાં રામકથાના મુખ્ય મનોરથી મનસુખલાલ મકનજીભાઈ ખાંદલા પરિવાર, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના મનોરથી સ્વર્ગસ્થ જિતુભા કેસરીસિંહ રાણા પરિવાર અને મહાયજ્ઞના મનોરથી સ્વર્ગસ્થ શિવલાલ આણંદજીભાઈ માકાસણા પરિવાર રહેલ છે.
સૌરાષ્ટ્ર નિમ્બાર્ક ધામ, મોટા મંદિર લીંબડીના મહંત મહામંડલેશ્વર લલિતકિશોરશરણ ગુરુ બાલકૃષ્ણદાસજી અને મોટા મંદિર સેવા સમિતિ દ્વારા સૌ સેવકો ભાવિકોને આ રામકથા સાથેના મહોત્સવનો લાભ લેવા નિમંત્રણ પાઠવાયું છે.
લીંબડીના ધર્મ મહોત્સવ સાથે લોકસાહિત્ય સંતવાણી કાર્યક્રમો યોજાયેલ છે. અહી સંતવાણી મંચ સંચાલનમાં રામેશ્વરબાપુ હરિયાણી રહેશે. રામકથા પ્રારંભ સંચાલનમાં હરિશ્ચંદ્ર જોષી સંભાળનાર છે.
રિપોર્ટર – મૂકેશ પંડિત (લીમડી)