રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ની છ સભ્યની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી) વ્યાજ દરના ભાવિ દિશા સંદર્ભમાં અલગઅલગ મત ધરાવતા હોવાનું એમપીસીની ૮ જુનની બેઠકની મિનિટસ પરથી જણાય છે. વ્યાજ દરમાં વધુ વધારો દેશના અર્થતંત્રની ગતિને ધીમી પાડશે તેમ કેટલાક સભ્યોએ મત વ્યકત કર્યો હતો.
એમપીસીએ ૮ જુનના સતત બીજી બેઠક માં વ્યાજ દર જાળવી રાખ્યો હતો. જો કે ફુગાવાજન્ય દબાણને કાબુમાં રાખવા નાણાં નીતિમાં થોડોક સમય સુધી સખતાઈ જળવાઈ રહેશે તેવા પણ બેઠકના અંતે સંકેત અપાયા હતા.
નાણાં નીતિ હાલમાં એવા સ્તરે છે જેમાં હવે પછીની સખતાઈ અર્થતંત્ર માટે જોખમી સાબિત થઈ શકે છે, એમ સમિતિના બહારી સભ્ય જયંત વર્માનો મત રહ્યો હોવાનું મિનિટસમાં નોંધવામાં આવ્યું છે.
અન્ય સભ્ય અશિમા ગોયલે પણ રિઅલ રેપો રેટમાં વધુ વધારો ન થાય તેની ખાતરી રાખવી રહી એમ જણાવ્યું હતું. ફુગાવો અપેક્ષા પ્રમાણે નીચે આવ્યો છે.
સમિતિના અન્ય ત્રણ સભ્યોએ ફુગાવામાં વધારા સામેના જોખમો પર ધ્યાન કેન્દ્રીત રાખવાની વાત કરી હતી અને જુનમાં વ્યાજ દરમાં સ્થિરતા નિશ્ચિત નીતિ પૂરતું મર્યાદિત હોવાનો પુનરોચ્ચાર કર્યો હતો અને વ્યાજ દર અંગેના ભાવિ નિર્ણય બૃહદ્ આર્થિક ડેટા પર આધારિત રહેશે.
વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા બાદ, પૂરવઠા-માગ વચ્ચેના અંતરને કારણે ભાવ વધવાની ગતિને કદાચ ઝડપી બનાવી શકે છે એમ રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર માઈકલ પાત્રાએ જણાવ્યું હતું.
જો કે ફુગાવાને નિયંત્રણમાં લાવવા માટે કામગીરી અડધી પૂરી થઈ છે, એમ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું.