સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૨-૨૩ પેટે કેન્દ્ર સરકારને રૂપિયા ૮૭૪૧૬ કરોડનું ડિવિડન્ડ ચૂકવવા રિઝર્વ બેન્કના સેન્ટ્રલ બોર્ડે આજે નિર્ણય લીધો હતો. આરબીઆઈ પાસેથી જંગી ડિવિડન્ડ કેન્દ્ર સરકાર માટે રાહતરૂપ બની રહેશે. ૨૦૨૧-૨૨ના નાણાં વર્ષ પેટે ચૂકવાયેલા રૂપિયા ૩૦૩૦૭ કરોડના ડિવિડન્ડનીસરખામણીએ ૨૦૨૨-૨૩ના નાણાં વર્ષના ડિવિડન્ડમાં ૧૮૮ ટકા વધારો થયો છે.
વૈશ્વિક તથા ઘરઆંગણેની આર્થિક સ્થિતિનું બોર્ડે નિરીક્ષણ કર્યું હતું, એમ રિઝર્વ બેન્ક દ્વારા જારી કરાયેલી યાદીમાં જણાવાયું હતું.
૨૦૨૧-૨૨નુ ડિવિડન્ડ દસ વર્ષની નીચી સપાટીએ હતું. વર્તમાન નાણાં વર્ષમાં જાહેર ક્ષેત્રના ઉપક્રમોના ડિસઈન્વેસ્ટમેન્ટને લઈને પ્રવર્તતી અનિશ્ચિતતા વચ્ચે સરકારની તિજોરીમાં ડિવિડન્ડના રૂપમાં જંગી રકમની આવક રાજકોષિય સ્થિતિ જાળવવામાં સરકારને ટેકો મળી રહેશે, એમ એક બેન્કરે જણાવ્યું હતું.
રિઝર્વ બેન્ક તથા બેન્કો પાસેથી મળીને કુલ રૂપિયા ૪૮૦૦૦ કરોડનું ડિવિડન્ડ મળવાની વર્તમાન નાણાં વર્ષના બજેટની રજુઆત કરતી વેળા નાણાં પ્રધાને ધારણાં મૂકી હતી. પરંતુ માત્ર રિઝર્વ બેન્ક પાસેથી જ આટલી જંગી રકમ પ્રાપ્ત થઈ છે.
ફોરેકસના વેચાણ મારફત થયેલી ઊંચીઆવક, ઈન્વેસ્ટમેન્ટસ પર સારા વળતર વગેરેને કારણે રિઝર્વ બેન્ક ઊંચુ ડિવિડન્ડ ચૂકવી શકી છે. જાહેર ક્ષેત્રની બેન્કોના ગયા નાણાં વર્ષના પરિણામો સારા આવી રહ્યા છે અને તેમની બેલેન્સ શીટસ પણ મજબૂત બની રહી છે, ત્યારે આ બેન્કો પાસેથી પણ ઊંચા ડિવિડન્ડ મળી રહેવા નાણાં મંત્રાલય અપેક્ષા રાખી રહ્યું છે. ડિવિડન્ડ મારફત ઊંચી આવકને કારણે સરકારે બજારમાંથી બોરોઈંગ્સ ઓછું કરવાનું રહેશે એમ અન્ય એક વિશ્લેષકે જણાવ્યું હતું.