આણંદમા ગુરુવારે આણંદ જિલ્લામાં કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ યોજનાઓમાં થયેલ પ્રગતિ/કામગીરીની સમીક્ષા અર્થે રાજ્યના આરોગ્ય મંત્રી અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આણંદ સર્કિટ હાઉસ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત સબંધિત વિભાગના અધિકારીઓને મંત્રીશ્રીએ યોજનાકીય કામોમાં ઝડપ લાવવાની સાથે લોકોના પ્રશ્નો-મુશ્કેલીઓનો હકારાત્મકતા સાથે ઝડપી નિરાકરણ કરવા જણાવ્યું હતુ.
આ બેઠકમાં મંત્રીએ પી.એમ. કિસાન સન્માન નિધિ, સોઇલ હેલ્થ કાર્ડ, કિસાન ક્રેડિટ કાર્ડ, ભારત નેટ, પી.એમ. જીવન જ્યોત વીમા યોજના, અટલ પેન્શન યોજના, આયુષ્માન ભારત યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, સ્વામીત્વ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પીએમ સ્વનિધિ, જલજીવન મિશન – નલ સે જલ જેવી સરકારની ફ્લેગશીપ યોજના અંગે જિલ્લામાં થયેલી કામગીરીની, જિલ્લાની તમામ કચેરીઓમાં છેલ્લા ૧૨ માસ દરમિયાન આવેલી લોકોની અરજીઓની તથા નાયબ મુખ્ય દંડક,સાંસદ સભ્યશ્રી, ધારાસભ્ય સહિતના મહાનુભાવોના પ્રશ્નોની સઘન સમીક્ષા કરીને સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને જરૂરી સૂચના આપી હતી.
આ ઉપરાંત મંત્રીશ્રીએ ટેકાના ભાવે ખરીદી, કુદરતી આફતથી થયેલ પાકને નુકસાનના સર્વે/સહાય, ખાતરની ઉપલબ્ધિ, સિંચાઈ, પ્રાકૃતિક ખેતી, રીસર્વે, તથા વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન જિલ્લામાં વિવિધ યોજના અંતર્ગત આપવામાં આવેલ લાભ વિશે વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે જિલ્લા આયોજનના વિવિધ કામોની પ્રગતિની સમીક્ષા કરી હતી.
આ તકે મંત્રીએ જિલ્લામાં શહેર/નગરપાલિકાનું નજીકના ગામ સાથે ક્લસ્ટર તૈયાર કરીને ઘન કચરાના નિકાલ માટે જરૂરી વ્યવસ્થા ઉભી કરવાની નવતર પહેલ શરૂ કરવા માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, સાંસદ મિતેષભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય સર્વ યોગેશભાઈ પટેલ,કમલેશભાઈ પટેલ તથા વિપુલભાઈ પટેલે મંત્રી સમક્ષ પ્રશ્નોની રજુઆત કરી હતી.જેનું પ્રાથમિકતાના ધોરણે નિરાકરણ કરવા મંત્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જિલ્લામાં થયેલ કામો અને જિલ્લાના પ્રશ્નો અંગે મંત્રીને વાકેફ કર્યા હતા.
આ બેઠક દરમિયાન મંત્રીના હસ્તે નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન અંતર્ગત કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ તરીકે ભીમતળાવ ગ્રામ સંગઠન,ખંભાતને રૂપિયા ૯ લાખનો ફંડ ટ્રાન્સફર હુકમ એનાયત કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના,ઇન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષક અમિતકુમાર બંસલ,નિવાસી અધિક કલેક્ટર આર.એસ.દેસાઈ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.વી.દેસાઈ, નાયબ વન સંરક્ષક શ્રી એન.ડી.ઇટાલિયન,અગ્રણી રાજેશભાઈ પટેલ,રાકેશભાઈ શાહ,તાલુકા પંચાયત પ્રમુખ,નગરપાલિકા પ્રમુખ સહિતના અધિકારી-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.