રૂપિયા ૨૦૦૦ની નોટસ પાછી ખેંચવાના નિર્ણયને પગલે દેશની બેન્કિંગ વ્યવસ્થામાં બેન્ક થાપણમાં વધારો થઈ રહ્યાનું જોવા મળે છે. ૨ જુનના સમાપ્ત થયેલા પખવાડિયામાં બેન્ક થાપણ રૂપિયા ૩.૨૬ લાખ કરોડ વધી રૂપિયા ૧૮૭.૦૨ લાખ કરોડ રહી હતી. જે વાર્ષિક ધોરણે ૧૧.૮૦ ટકા વધારો સૂચવે છે.
રૂપિયા ૨૦૦૦ની નોટસ પાછી ખેંચવાના નિર્ણય બાદ આ પ્રથમ જ પખવાડિયામાં થાપણમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. થાપણમાં કુલ વધારામાં રૂપિયા ૨.૬૫ લાખ કરોડ મુદતી થાપણના રૂપમાં થયો છે. ડીમાન્ડ ડીપોઝિટસમાં રૂપિયા ૭૬૦૯૬૮ કરોડનો વધારો થયાનું આંકડા જણાવે છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ડેટા પ્રમાણે, ૧૯મી મેના અંતે સમાપ્ત થયેલા પખવાડિયામાં થાપણ રૂપિયા ૫૯૬૨૩ કરોડ ઘટી રૂપિયા ૧૮૩.૭૪ લાખ કરોડ રહી હતી.૩૧મી માર્ચ ૨૦૨૩ના અંતે દેશમાં સર્કયુલેશનમાં રૂપિયા ૨૦૦૦ની નોટસ રૂપિયા ૩.૬૨ લાખ કરોડ જેટલી હતી તેમાંથી પચાસ ટકા નોટસ પરત આવી ગયાનું રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે ૮મી જુનના નાણાં નીતિની સમીક્ષા બેઠક બાદ પત્રકારો સમક્ષ બોલતા જણાવ્યું હતું.
બીજી બાજુ બે જુનના સમાપ્ત થયેલા પખવાડિયામાં બેન્કિંગ ક્ષેત્રમાં ધિરાણ આંક રૂપિયા ૧.૧૪ ટ્રિલિયન વધી રૂપિયા ૧૪૦.૦૮ ટ્રિલિયન રહ્યો હતો. ધિરાણમાં વાર્ષિક ધોરણે ૧૫.૪૦ ટકા વધારો થયો છે.
વ્યાજ દરમાં વધારો છતાં ધિરાણ વૃદ્ધિ જોરદાર જોવા મળી રહી છે. દેશમાં જાહેર ક્ષેત્રની બેન્કો કરતા ખાનગી બેન્કોમાં ધિરાણ વૃદ્ધિનો આંક વધુ જોવા મળે છે.