નો યોર કલાયન્ટ (કેવાયસી) દસ્તાવેજોની માગણી સાથે ખાતેદારોને બેન્કોમાં વારંવાર ધક્કા નહીં ખવડાવવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ બેન્કોને સૂચના આપી છે.
આરબીઆઈ ઓમ્બડસમેન (લોકપાલ)ની વાર્ષિક પરિષદને સંબોધતા મલ્હોત્રાએ જણાવ્યુ હતું કે, કોઈપણ નાણાંકીય નિયામકના નિયંત્રણ હેઠળની એન્ટિટી (નાણાં સંસ્થા)ને દસ્તાવેજો સુપરત કરાયા બાદ એક સામાન્ય ડેટાબેસમાંથી તે મેળવી લેવાનું અન્યો માટે શકય બની શકે છે, એમ જણાવી તેમણે ખાતેદારો પાસેથી વારંવાર કેવાયસીની માગણી ટાળી શકાય તેવી અગવડતા છે.ખાતેદાર દ્વારા એક વખત નાણાંકીય સંસ્થાને દસ્તાવેજો સુપરત કર્યા બાદ, તેજ દસ્તાવેજો પાછા પૂરા પાડવા ખાતેદારને આગ્રહ કરવામાં ન આવે તેની બેન્કોએ ખાતરી રાખવી જોઈએ એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
કેન્દ્રીય ડેટાબેસમાંથી માહિતી મેળવી શકાય તે રીતે શાખાઓ અથવા ઓફિસોમાં વ્યવસ્થા નહીં કરવા બદલ તેમણે નારાજગી વ્યકત કરી હતી અને જણાવ્યું હતું કે આને કારણે ખાતેદારોએ અગવડતા ભોગવવી પડે છે.
નાણાં વર્ષ ૨૦૨૪માં બેન્કોને ગ્રાહકો પાસેથી એક કરોડ જેટલી ફરિયાદો પ્રાપ્ત થઈ હતી. આમાંથી ૫૭ ટકા ફરિયાદોમાં આરબીઆઈ લોકપાલની દરમિયાનગીરીની આવશ્યકતા પડી હતી. આ એક અસંતોષકારક સ્થિતિ હોવાનું તેમણે ઉમેર્યુ હતું.