મઢી સુગર ફેક્ટરીની વહીવટી સમિતિની સામાન્ય ચૂંટણીમાં ફરી એકવાર સહકાર પેનલે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. કુલ 17 બેઠકોના પરિણામમાં સહકાર પેનલે 9 બેઠકો મેળવી સત્તા જાળવી રાખી છે, જ્યારે કિસાન પરિવર્તન પેનલને 6 અને અપક્ષ ઉમેદવારોને 2 બેઠકો મળી છે. ત્રણ બેઠકો પર નજીવા મતના અંતરથી હાર થતાં કિસાન પરિવર્તન પેનલનું સત્તા પરિવર્તનનું સપનું અધૂરું રહ્યું હતું.
સહકાર અને કિસાન પરિવર્તન પેનલ વચ્ચે રસાકસી
મઢી સુગરની ચૂંટણી પ્રક્રિયા 20 સપ્ટેમ્બરે યોજાઈ હતી. શાસક સહકાર પેનલ અને કિસાન પરિવર્તન પેનલ વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી. ચૂંટણી પહેલાં કેટલીક બેઠકો બિનહરીફ થઈ હતી, જેમાં બંને પેનલના આગેવાનોનો પણ સમાવેશ થતો હતો.
ચૂંટણીમાં વિવિધ બેઠકો માટે કુલ 43 ઉમેદવારો મેદાનમાં હતા અને 8,543 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મઢી ગામની એમ.કે. પટેલ હાઈસ્કૂલ ખાતે ચૂંટણી અધિકારી અને પ્રાંત ડેપ્યુટી કલેક્ટર રોશની પટેલના નેતૃત્વ હેઠળ મતગણતરી હાથ ધરવામાં આવી હતી.
સહકાર પેનલે 9 બેઠકો સાથે સત્તા જાળવી
મતગણતરી પૂર્ણ થયા બાદ સહકાર પેનલ સૌથી મોટી પેનલ તરીકે સામે આવી હતી. સહકાર પેનલના સમીર ભક્તા બાજીપુરા બેઠક પરથી બિનહરીફ ચૂંટાયા હતા.
વાલોડ બેઠક પરથી અલ્પેશ મગન પટેલે 171 મતની સરસાઈથી જીત મેળવી હતી. નિઝર બેઠક પરથી અતુલ બાબુ નાયક 30 મતથી, જ્યારે વરાડ બેઠક પરથી ચિન્ટુ મહેશ પટેલ માત્ર 18 મતની સરસાઈથી વિજેતા બન્યા હતા.
વ્યારા-1 બેઠક પરથી કમલેશ કિકુ ગામીતે 155 મતની સરસાઈથી જીત મેળવી હતી. વાલિયા બેઠક પરથી રોશન શશીકાંત ભક્તાએ માત્ર 12 મતના નજીવા અંતરથી વિજય મેળવ્યો હતો.
મહિલા-1 બેઠક પરથી સુમિત્રા દલપત ચૌધરી 433 મતથી અને મહિલા-2 બેઠક પરથી મોક્ષના નરેન્દ્રસિંહ મહિડા 733 મતની સરસાઈથી વિજેતા બન્યાં હતાં. અનુસૂચિત જાતિ/જનજાતિ બેઠક પરથી હરીશ લાલસિંહ ચૌધરીએ 1,150 મતની મોટી સરસાઈથી જીત મેળવી હતી.
કિસાન પરિવર્તન પેનલને 6 બેઠકો
સત્તા પરિવર્તનના દાવા સાથે ચૂંટણી મેદાનમાં ઉતરેલી કિસાન પરિવર્તન પેનલને કુલ 6 બેઠકો મળી હતી. પલસોદર બેઠક પરથી જીતેન્દ્ર ડાહ્યા પટેલ બિનહરીફ ચૂંટાયા હતા.
મઢી બેઠક પરથી સુરજરામ/સુરેશ રાનિયા ચૌધરીએ 86 મતની સરસાઈથી જીત મેળવી હતી. વાંકાનેર બેઠક પરથી અમીષ દીપકસિંહ ચાવડા 153 મતથી, હરીપુરા બેઠક પરથી કેતન જસુ પટેલ 103 મતથી, માંડવી-1 બેઠક પરથી દિલીપસિંહ સંજાણસિંહ મહિડા 38 મતથી અને માંડવી-2 બેઠક પરથી સંદીપ રમેશ શર્મા 43 મતની સરસાઈથી વિજેતા બન્યા હતા.
બે બેઠકો પર અપક્ષ ઉમેદવારોનો વિજય
આ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોએ પણ બે બેઠકો પોતાના નામે કરી હતી. વ્યારા-2 બેઠક પરથી નરેશ કેશવ પટેલે 149 મતની સરસાઈથી જીત મેળવી હતી. મંડળી સભાસદ બેઠક પરથી સિદ્ધાર્થ અમરસિંહ ચૌધરી બિનહરીફ ચૂંટાયા હતા.
નજીવા માર્જિનથી ત્રણ બેઠકો ગુમાવવી પડી
ચૂંટણીના પરિણામોમાં કેટલીક બેઠકો પર અત્યંત નજીકનો મુકાબલો જોવા મળ્યો હતો. ખાસ કરીને 12, 18 અને 30 મત જેવી નજીવી સરસાઈએ પરિણામ નક્કી થતાં ચૂંટણી અંત સુધી રસપ્રદ બની રહી હતી. કિસાન પરિવર્તન પેનલ માટે આ બેઠકો નિર્ણાયક સાબિત થઈ હતી. ત્રણ નજીકના મુકાબલામાં પરિણામ તેની તરફેણમાં આવ્યું હોત તો સત્તાના સમીકરણમાં મોટો ફેરફાર થઈ શક્યો હોત.
અંતે સહકાર પેનલે 9 બેઠકો સાથે મઢી સુગરના વહીવટ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું, જ્યારે 6 બેઠકો મેળવનારી કિસાન પરિવર્તન પેનલનું સત્તા પરિવર્તનનું સપનું અધૂરું રહ્યું. બે બેઠકો પર અપક્ષ ઉમેદવારોની જીત પણ ચૂંટણી પરિણામનું મહત્વનું પાસું રહ્યું.
રિપોર્ટર – તેજસ વશી (સુરત)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel