એક એવી મહિલાઓનું ગૃપ કે જે સખી મંડળમાં જોડાવા પહેલા ખેતી અને પશુપાલનનું કામ કરી સામાન્ય રીતે કુટુંબનું જીવન નિર્વાહ ચલાવતા હતા પરંતુ વર્ષ 2015માં સખી મંડળ ચાલુ કરી આજે મહિને 85 હજાર અને વર્ષે 10.20 લાખની આવક કમાઈ અન્ય લાખો મહિલાઓ માટે પ્રેરણારૂપ બની છે. આજે તા. 8 માર્ચે વિશ્વ મહિલા દિવસે નવસારીના વાંસી બોરસી ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં લખપતિ દીદી વંદના સમારોહ યોજાવા જઈ રહ્યો છે ત્યારે સભા સ્થળે ગુજરાતના 33 જિલ્લાના 33 સખી મંડળના સ્ટોલની પ્રદર્શીની રાખવામાં આવી છે. જેમાં નવસારી જિલ્લામાંથી એક માત્ર ચીખલીના સોલધરા ગામના સહયાદ્રી સખી મંડળની પસંદગી થઈ છે જે સમગ્ર નવસારી જિલ્લા માટે ગૌરવની વાત છે.
વડાપ્રધાનની દીર્ઘદ્રષ્ટીના કારણે ગામે ગામ સખી મંડળો શરૂ થતા બહેનો આર્થિક રીતે સક્ષમ બની અને સ્વમાનભેર જીવન જીવી રહી છે. સખી મંડળ દ્વારા ઘર આંગણે રોજગારી મળતા જીવન સ્તર ઊચું લાવવામાં સફળતા મળી છે. શૂન્યથી સફળતાના શિખર સુધીની સંઘર્ષની કહાની જણાવતા ચીખલીના સોલધરા ગામના સહ્યાદ્રી સખી મંડળના પ્રમુખ અસ્મિતાબેન અશોકભાઈ પટેલ ગર્વ સાથે જણાવે છે કે, ખરેખર અમે સખી મંડળનું નામ સહયાદ્રી રાખ્યું તે સાર્થક કરી બતાવ્યુ છે. સખી મંડળમાં જોડાવા પહેલા અમે વેલીની જેમ હતા પરતું સખી મંડળમાં જોડાયા પછી હવે વૃક્ષની જેમ મજબૂત અડીખમ ઊભા છીએ. આ પ્રવૃતિમાં જોડાયા પહેલા ગામની મહિલાઓ છૂટક મજૂરી કરી જીવન જીવતી હતી. છોકરાઓને ભણાવવા, આરોગ્યના ખર્ચા તથા ખેતી પણ સમયસર થઈ શકતી ન હતી. પરંતુ મંડળની બહેનો ભેગા મળી સખી મંડળ દ્વારા પ્રવૃતિ કરી આજે કમાણી કરી રહી છે. તેમના મુંઝવતા પ્રશ્નો હલ કરવામાં સફળતા મળી છે. જેના દ્વારા આત્મવિશ્વાસ વધ્યો છે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના એનઆરએલએમ દ્વારા અમારા મંડળને રીવોલ્વિંગ ફંડ રૂ.15000, કોમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ રૂ.5,00,000 અને કેશ ક્રેડીટ પેટે રૂ.2,00,000ની સહાય મળતા મધ, નાગલી પ્રોડક્ટ, આમળા કેન્ડી, ચીકુ ચિપ્સ અને હળદર પ્રોસેસિંગની શરૂઆત ગૃહ ઉદ્યોગ તરીકે કરી હતી. હું પોતે પણ મધ ઉછેરની પ્રવૃતિ કરૂ છુ. મંડળની 10 બહેનો ઘરે જ બેસીને મધનું પેકેજિંગની કામગીરી, અથાણાં, નાગલીની પાપડી, આમળા કેન્ડી, ચીકુ ચિપ્સ તથા બાંબુની બનાવટો બનાવી રોજગારી મેળવે છે. બહેનોએ બનાવેલી વસ્તુનું રાષ્ટ્રીય કક્ષાના સરસ મેળા, પ્રાદેશિક મેળા, લોકલ મેળા તથા લોકલ માર્કેટમાં વેચાણ કરી વર્ષે રૂ.10,20,000ની આવક મેળવીએ છે. રાજ્ય સરકાર દ્વારા જિલ્લા ક્ક્ષાનો આત્મા પ્રોજેક્ટ એવોર્ડ અને મધમાખી પાલનનો બેસ્ટ ફાર્મર એવોર્ડ પણ મળ્યો છે.
વાંસી બોરસીમાં યોજાનાર કાર્યક્રમમાં 33 જિલ્લાના સખી મંડળના સ્ટોલ પ્રદર્શનીમાં નવસારીના સહયાદ્રી સખી મંડળની પસંદગી
પહેલા અમે વેલી જેવા હતા હવે અમે વૃક્ષની જે અડીખમ ઉભા છે - અસ્મિતાબેન
