અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના કલાણા ગામમાં જૂની અદાવતને કારણે બે જૂથો વચ્ચે થયેલી ઉગ્ર અથડામણ બાદ ગામમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે અને સમગ્ર વિસ્તાર જાણે છાવણીમાં ફેરવાઈ ગયો છે. સોમવાર રાત્રે શરૂ થયેલી બોલાચાલી મંગળવાર સવાર સુધીમાં ભારે પથ્થરમારા અને હિંસક ઝઘડામાં ફેરવાતા ગામમાં અફરાતફરી મચી ગઈ હતી.
સ્થિતિ બેકાબૂ બનતા જ પોલીસને મોટી સંખ્યામાં તૈનાત કરી દેવામાં આવી છે અને સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાણંદ ડિવિઝનના DySP નીલમ ગોસ્વામીએ જણાવ્યું કે, આ ઘટના સોમવારે ગામના તળાવના પાળે બની હતી, જ્યાં એક જૂથના બે યુવકો અને અન્ય જૂથના એક યુવક વચ્ચે એકબીજાને જોવાની બાબતે બોલાચાલી થઈ હતી.
આ નાનકડી વાતે ધીમે ધીમે મોટો વિવાદ સ્વરૂપ ધારણ કર્યું અને બંને પક્ષોના લોકો ટોળાં સ્વરૂપે સામસામે આવી ગયા, જેના પરિણામે પથ્થરમારો અને હાથાપાઈ શરૂ થઈ હતી. પોલીસે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને સ્થિતિ કાબૂમાં લીધી હતી અને બંને પક્ષોની ફરિયાદના આધારે ક્રોસ FIR નોંધવામાં આવી છે. DySP ગોસ્વામીના જણાવ્યા અનુસાર, આ અથડામણમાં કોઈને ગંભીર ઈજા કે હાડકાં તૂટવાની ઘટના સામે આવી નથી, જોકે કેટલાક લોકોને સામાન્ય મૂઢમાર અને લોહીની ફૂટ જેવી નાની ઈજાઓ થઈ છે.
હાલ ગામમાં જીઆઈડીસી પોલીસ સહિતનો પૂરતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. મંગળવારે સવારે પોલીસે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. ફરિયાદમાં અંદાજે 40 જેટલા આરોપીઓના નામ ઉલ્લેખવામાં આવ્યા છે, જ્યારે અન્ય અજાણ્યા શખ્સોની ઓળખ માટે તપાસ ચાલુ છે. પોલીસ પ્રશાસન તરફથી ગામમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સતત નજર રાખવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel