અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત વાર્ષિક ફ્લાવર શો માટેની તૈયારીઓ આખરી તબક્કામાં છે અને શહેર નવા વર્ષની ઉજવણી માટે તૈયાર છે. આગામી 1 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ ભવ્ય ફ્લાવર શોનું ઉદ્ઘાટન થશે.
આ વર્ષે ફ્લાવર શોની થીમ ‘ભારત એક ગાથા’ રાખવામાં આવી છે, જેમાં ભારતના સમૃદ્ધ ઇતિહાસ, સંસ્કૃતિ, પરંપરા અને સિદ્ધિઓને રંગબેરંગી ફૂલોના માધ્યમથી રજૂ કરવામાં આવશે. દર વર્ષે 15 દિવસ ચાલતો ફ્લાવર શો આ વખતે લોકોના ભારે ઉત્સાહ અને પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને 25 દિવસ સુધી લંબાવવામાં આવ્યો છે, જે અમદાવાદીઓ અને પ્રવાસીઓ માટે નવા વર્ષની ખાસ ભેટરૂપ બનશે.
આ વર્ષે ફ્લાવર શો લગભગ 73 હજાર સ્ક્વેર મીટર વિસ્તારમાં ફેલાયેલો હશે, જ્યાં 48થી વધુ પ્રકારના દેશી અને વિદેશી ફૂલછોડથી આખો રિવરફ્રન્ટ મહેકી ઉઠશે. પ્રદર્શનમાં કુલ 6 મુખ્ય આકર્ષણ કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં ભારતના વિવિધ તહેવારો, શાસ્ત્રીય નૃત્યશૈલીઓ, પૌરાણિક ભારતને દર્શાવતાં ભવ્ય સ્કલ્પચર, તેમજ દેશે વિજ્ઞાન, ટેકનોલોજી અને વિકાસના ક્ષેત્રે હાંસલ કરેલી સિદ્ધિઓની પ્રતિકૃતિઓ રજૂ કરવામાં આવશે.
ખાસ આકર્ષણ તરીકે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ઝોન પણ તૈયાર કરવામાં આવ્યો છે, જે મુલાકાતીઓને વિશેષ અનુભવ આપશે. સમગ્ર આયોજનનો મુખ્ય હેતુ ભારતીય વારસા, સંસ્કૃતિ અને ગૌરવને ફૂલોના રંગીન માધ્યમથી જીવંત કરવાનો છે, જે નક્કી જ શહેરવાસીઓ અને દેશ-વિદેશના પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દેશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel