નૂંહ હિંસાના 10 દિવસ બાદ તંત્રના આદેશ પર શુક્રવારે જિલ્લાની સરકારી અને પ્રાઈવેટ સ્કૂલો ખુલી ગઈ છે. જેના કારણે ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો, શિક્ષકો અને શાળા સંચાલકોના ચહેરા પર ચમક આવી ગઈ છે. જો કે, સરકારી શાળાઓમાં પહેલાની જેમ હલચલ નજર નથી આવી રહી. 31 જુલાઈના રોજ નૂંહમાં ફાટી નીકળેલી હિંસા બાદ શાળાઓ અને કોલેજો બંધ કરી દેવામાં આવી હતી. જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. બધું જ બંધ હતું. હવે ધીમે ધીમે સ્થિતિ સામાન્ય થઈ રહી છે. ત્યારે 10 દિવસ બાદ વહીવટી તંત્રએ શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાનો નિર્ણય લીધો છે.
શિક્ષક અયુબ ખાન અને મુબારિક હુસૈનનું કહેવું છે કે, 10 દિવસથી શાળા બંધ રહેવાને કારણે બાળકોના શિક્ષણમાં ઘણું નુકસાન થયું છે. તેમણે જણાવ્યું કે, વહીવટીતંત્રએ અચાનક શાળાઓને બંધ કરી દેવાનો આદેશ આપ્યો હતો જેના કારણે તેઓ રજાઓમાં બાળકોને હોમવર્ક પણ આપી ન શક્યા કે જેથી બાળકો તેમના અભ્યાસની તૈયારી કરી શકે. તેમણે કહ્યું કે હવે શાળાઓ ખુલી રહી છે અને શિક્ષણને જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે. બીજી તરફ બંને શિક્ષકોનું કહેવું છે કે, મેવાતમાં પરસ્પર ભાઈચારો સદીઓ જૂનો છે. અહીં દરેક સમુદાયના લોકો એકબીજા સાથે હળીમળીને રહે છે પરંતુ નૂંહની ઘટનાથી આ વિસ્તારમાં ઘણું નુકસાન થયું છે.
સ્કૂલ માટે મસ્જિદો દ્વારા કરવામાં આવી રહ્યું છે એલાન
સરકારી વરિષ્ઠ માધ્યમિક શાળા માલબના પ્રિન્સિપાલ, શિક્ષકો અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટિનું કહેવું છે કે, સરકારી શાળાઓ ખોલવામાં આવી છે. બાળકો શાળામાં જોડાય તે માટે મસ્જિદોમાં એલાન કરવામાં આવી રહ્યું છે. વાલીઓને ફોન કરીને બાળકોને શાળામાં મોકલવા માટે અપીલ કરવામાં આવી રહી છે. એકંદરે સરકારી શાળાઓમાં બાળકોની ચમક જોવા નથી મળી રહી. શાળાઓમાં સન્નાટો છે.
હાઈકોર્ટે તંત્રને સમન્સ પાઠવ્યું
31મી જુલાઈના રોજ નૂંહમાં ધાર્મિક સરઘસ પર થયેલા હુમલા બાદ થયેલી આગચંપી, ફાયરિંગ, તોડફોડ બાદ નૂંહ જિલ્લાની સાથે-સાથે પલવલ, ગુડગાંવ, ફરીદાબાદના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી. સરકારી અને ખાનગી સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી હતી. લગભગ 10 દિવસના મૂલ્યાંકન બાદ વહીવટીતંત્રે કર્ફ્યુમાં સવારે 7 થી બપોરે 3 વાગ્યા સુધી બજાર ખોલવાની મંજૂરી આપી છે અને બસોની અવરજવર શરૂ કરી દેવામાં આવી છે. આજથી તમામ શાળાઓ ખોલવાના આદેશ આપવામાં આવ્યા છે. જેના કારણે વિસ્તારમાં રૌનક પાછી ફરી છે. શહેરો અને નગરોમાં બેંકો અને એટીએમ પણ ખુલ્લા છે. વહીવટીતંત્ર શુક્રવારની નમાઝ પર પણ ચાંપતી નજર રાખી રહ્યું છે. બીજી તરફ પંજાબ-હરિયાણા હાઈકોર્ટે પણ વહીવટીતંત્રને બુલડોઝરની કાર્યવાહી માટે સમન્સ પાઠવ્યું છે.