મહારાષ્ટ્રના સત્તા સંઘર્ષના બાબતે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદામાં શિંદે-ફડણવીસ સરકારને જીવતદાન મળ્યું છે. આથી ઘણા સમયથી રાહ જોવાતી પ્રધાનમંડળના વિસ્તરણનો હવે લીલીઝંડી મળી છે. આથી આવતાં અઠવાડિયે રાજ્યના પ્રધાનમંડળ વિસ્તરણ થવાની પૂરેપૂરી શક્યતા છે. કારણકે બે દિવસ માટે મહારાષ્ટ્રની મુલાકાતે આવેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પ્રધાનમંડળને વિસ્તરણ કરવાની સ્વીકૃતિ આપી છે. આથી ૨૩ કે ૨૪ મેના રોજ પ્રધાનમંડળના વિસ્તરણ થવાની શક્યતા છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.
પ્રધાનમંડળના વિસ્તરણનમાં ૨૧ પ્રધાનનો સમાવેશ હશે. જેમાં શિવસેનાના (સી.એમ. એકનાથ શિંદે જૂથના) લગભગ આઠ ધારાસભ્યને પ્રધાન પદ મળશે. જ્યારે અપક્ષના બે ધારાસભ્યને પ્રધાન પર મળશે. જ્યારે બાકી ભાજપમાંથી પ્રધાન હશે. હવે જોવાનું શિંદે ગુ્રપ અને ભાજપ કોને પ્રધાન પદની તક આપે છે. તેની તરફ બધાની મીટ છે.
શિંદે ગુ્રપમાંથી પ્રધાનમંડળમાં તક મળે એવી શક્યતામાં ધારાસભ્યોની યાદીમાં ભરત ગોગવલે, સંજય શિરસાટ, પ્રતાપ સરનાઈક, સદા સરવણકર, યામિની જાધવ, અનિલ બાબર, ચિમન અબા પાટીલ, અને બચુ કડુનો સમાવેશ થાય છે.
બે દિવસ પહેલા નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કેબિનેટ વિસ્તરણના સંકેત આપ્યા હતા. આ પહેલા સી.એમ. એકનાથ શિંદેએ માહિતી આપી હતી કે ટૂંક સમયમાં પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવશે.
પ્રધાન મંડળનું વિસ્તરણ કરાતુ ન હોવાથી રાજ્યના વિકાસના કામ રખડી પડયા છે. આથી સામાન્ય જનતા નાખુશ છે. જેના પગલે રાજ્ય સરકાર પ્રતિકુળ અસર પડી શકે છે એવી ધારાસભ્ય બચ્ચુ કડુએ ચેતવણી આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે શિવસેનામાં બળવો કરીને એકનાથ શિંદેએ ભાજપ સાથે હાથ મેળવીને નવી ભાજપ-શિંદે સરકારની રચના કરી હતી. ૩૦ જૂન ૨૦૨૨ના રોજ એકનાથ શિંદે મુખ્યપ્રધાન અને દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યપ્રધાન તરીકે રાજભવનમાં શપથ લીધા હતા.
ત્યારબાદ ગત વર્ષે ઓગસ્ટમાં પ્રધાનમંડળનું વિસ્તરણ કર્યું હતું. જેમાં નવ શિંદે ગુ્રપ અને નવ ભાજપના ધારાસભ્યો એમ કુલ મળીને ૧૮ પ્રધાનોનું પ્રધાન મંડળ અને મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન એવો સમાવેશ થયો હતો.
ત્યારબાદ ઘણા લાંબા સમયથી પ્રધાનમંડળના વિસ્તરણની રાહ જોવાતી હતી. આખરે હવે આવતાં અઠવાડિયે પ્રધાનમંડળનું વિસ્તરણનું વિસ્તરણ થવાની શક્યતા છે.