મહારાષ્ટ્રમાં રાજકારણ ધીરે ધીરે ફરી એકવાર ગરમાઈ રહ્યું છે. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને આદેશ આપ્યો છે કે તે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોની અયોગ્યતાને લઈ 31 ડિસેમ્બર સુધી નિર્ણય લે. ત્યારે આ આદેશ બાદ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનું પણ નિવેદન સામે આવ્યુ છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે 31 ડિસેમ્બરે શિંદે સરકારની વિદાય થઈ જશે. 31 ડિસેમ્બરે વર્ષ 2023 પૂરૂ થશે અને સાથે જ મહારાષ્ટ્રની શિંદે સરકારનો છેલ્લો દિવસ હશે.
એકનાથ શિંદે અને તેમના 39 સમર્થક ધારાસભ્યો શિવસેના સામે બળવો કરીને ભાજપમાં જોડાયા હતા અને પાર્ટી બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. ત્યારબાદ ઠાકરે જૂથ અને શિંદે જૂથે એકબીજા સામે કોર્ટમાં ધારાસભ્યોની અયોગ્યતાને લઈ અરજી દાખલ કરી હતી. હવે આ જ મુદ્દા પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષને આદેશ આપ્યો કે તે 31 ડિસેમ્બર અથવા તે પહેલા બંને જૂથના ધારાસભ્યોની અયોગ્યતા પર નિર્ણય કરે.
ઉદ્ધવ ઠાકરેએ આપી આ પ્રતિક્રિયા
ત્યારે બીજી તરફ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ઉદ્ધવ ઠાકરેએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે તે પોતાના ધારાસભ્યો સાથે જ વિધાન પરિષદના સભ્યો સુપ્રીમના આદેશને વાંચીને સંભળાવવા માટે પણ કહ્યું. તેમને કહ્યું કે 31 ડિસેમ્બરે મહારાષ્ટ્રની અયોગ્ય સરકારને વિદાય કરવામાં આવશે. તેમને કહ્યું કે કોર્ટે કહ્યું છે કે બંધારણની 10મી અનુસૂચીની પવિત્રતાને જાળવી રાખવામાં જોઈએ.
ત્યારે સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષને અજિત પવાર જૂથના 9 ધારાસભ્યને ગૃહની સભ્યતાથી ગેરલાયક ઠેરવવાની વિનંતી કરતી NCPની અરજી પર 31 જાન્યુઆરી 2024 સુધી નિર્ણય લેવા પણ કહેવામાં આવ્યું છે.
31 ડિસેમ્બર સુધી નિર્ણય લેવામાં આવે: કોર્ટ
તાજેત્તરમાં જ મહારાષ્ટ્ર સચિવાયલ તરફથી કોર્ટમાં એક સોંગદનામું દાખલ કરવામાં આવ્યું હતું, જેમાં તેમને દિવાળીની રજાઓ અને વિધાનસભાના શિયાળુ સત્રનું કારણ આપીને આ મુદ્દે નિર્ણય લેવા માટે 29 ફેબ્રુઆરી 2024 સુધીનો સમય માંગ્યો હતો. જેની પર કોર્ટે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે આટલા લાંબા સમય સુધી રાહ જોવાની જરૂર નથી. દિવાળી અને શિયાળુ સત્રને છોડીને 30 દિવસ છે, તેથી 31 ડિસેમ્બર સુધી વિધાનસભા અધ્યક્ષ તેની પર નિર્ણય લે તેવુ કોર્ટે જણાવ્યું છે.