મહિલાઓને પીરિયડ લીવ આપવામાં આવે તેવી માગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો મહિલાઓને પીરિયડ લીવ (માસિક ધર્મ) આપવા અંગે નીતિ બનાવે તેવી માગ કરવામાં આવી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો છે. પરંતુ, આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ અંગે એક મોડેલ નીતિ નક્કી કરવા માટે તમામ હિતધારકો અને રાજ્યો સાથે ચર્ચા કરવાનો નિર્દેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે આ બાબતે કહ્યું કે, તે અરજદારને મહિલા તેમજ બાલ વિકાસ મંત્રાલયમાં સચિવ અને ASG સામે પોતાની વાત રાખવાની છુટ આપે છે. આ સાથે સુપ્રીમ કોર્ટે સચિવને નિર્દેશ આપ્યું કે, તેમણે નીતિગત સ્તરે આ બાબત પર વિચાર કરીને તેમજ તમામ પક્ષો સાથે વાત કરીને આ અંગે એક આદર્શ નીતિ બનાવી શકાય છે કે કેમ? તે અંગે યોગ્ય નિર્ણય લેવું જોઇએ. ચીફ જસ્ટીસ ડીવાઇ ચંદ્રચુડે આ અંગે કહ્યું કે, આ લીવ મહિલાઓને વર્કફોર્સનો ભાગ બનવા પ્રોત્સાહિત કરે છે. આ સંજોગોમાં આ લીવને આવશ્યક બનાવવાથી મહિલાઓ વર્કફોર્સથી દૂર થઇ જશે. ચીફ જસ્ટીસે કહ્યું કે, સરકારે આ બાબત પર નીતિ બનાવવાની તરફ આગળ આવવું જોઇએ. તેમજ તેમણે કહ્યું કે, આ બાબત સરકારની નીતિનો ભાગ છે જેના પર કોર્ટે દખલ ન કરવી જોઇએ.
વકીલ શૈલેન્દ્રમણીએ દાખલ કરી હતી અરજી
હકિકતમાં અરજદાર વકીલ શૈલેન્દ્રમણી ત્રિપાઠીએ સુપ્રીમ કોર્ટને મહિલાઓને પીરિયડ દરમિયાન થતી મુશ્કેલીઓનો ઉલ્લેખ કરીને રાજ્ય સરકારોને રજા આપવા માટે નિયમ બનાવવા માટે નિર્દેશ આપવાની માગ કરી હતી. અરજીમાં માતૃત્વ લાભ એક્ટ, 1961ની કલમ 14નો ઉલ્લેખ કરી વિદ્યાર્થિનીઓ અને મહિલા કર્મચારીઓને પીરિયડ લીવ આપવાની માગ કરી હતી.
બિહારમાં અપાય છે પીરિયડ લીવ
અરજદારે કોર્ટમાં જણાવ્યું હતું કે, હાલના સમયમાં માત્ર બિહાર જ એક એવું રાજ્ય છે જેમાં 1992ની નીતિના અંતર્ગત મહિલાઓને માસિકસ્ત્રાવના સમયગાળા દરમિયાન રજા આપવામાં આવે છે.