ગોવામાં બાગા અને આરપોરા વિસ્તારમાં એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે, જેમાં બે અલગ-અલગ દુકાનોના LED બોર્ડ પર “પાકિસ્તાન ઝિંદાબાદ” જેવા નારા દેખાયા હતા. આ ઘટનાથી સ્થાનિક સ્તરે ભારે ઉથલપાથલ મચી હતી. ગોવા પોલીસે તરત જ કાર્યવાહી કરીને બંને LED ડિસ્પ્લે બોર્ડ બંધ કરાવ્યા અને આ મામલે કુલ 9 લોકોને પકડી લીધા છે. પોલીસએ આ કેસમાં બે અલગ અલગ FIR પણ નોંધ્યા છે.
માહિતી મુજબ, 4 નવેમ્બર 2025ના રોજ બાગા વિસ્તારમાં આવેલી એક વાઇન શોપના LED બોર્ડ પર અચાનક “Pakistan Zindabad”નો મેસેજ દેખાયો હતો. આ વાઇન શોપના સંચાલકો તરીકે રણચિત ભાટિયા, વિપિન પાહુજા, વિનય ચંદ્રા રાવ, કૃષ્ણા લમાણી અને મનોજ કુમારના નામ સામે આવ્યા છે.
આ સિવાય, આરપોરા વિસ્તારમાં આવેલી ‘રિવાઇવ હેર કટિંગ સેલૂન’ના LED બોર્ડ પર પણ એ જ પ્રકારનો સંદેશ દેખાયો હતો. આ સેલૂનના સંચાલકોમાં મોહમ્મદ ફરમાન, નૌશાદ, મોહમ્મદ શાવેઝ અને રાકેશ દાસનો સમાવેશ થાય છે. બંને સ્થળો વચ્ચેનું અંતર ફક્ત 2 થી 3 કિલોમીટર છે, જેના કારણે પોલીસે આ બે ઘટનાઓ વચ્ચે સંબંધ હોવાની શંકા વ્યક્ત કરી છે.
કેલાંગુટ અને અંજુના પોલીસ સ્ટેશનોની ટીમો ઘટનાની જાણ થતાં જ માત્ર 15 મિનિટમાં સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે તરત જ બંને LED બોર્ડનું પાવર કનેક્શન કાપી દીધું અને બધા શંકાસ્પદ વ્યક્તિઓને રાત્રે જ કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી હતી.
આ કેસમાં પોલીસએ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 152 — દેશના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતાને જોખમમાં મુકતા કૃત્યો માટે, તેમજ કલમ 61(2) — ગુનાહિત ષડયંત્ર હેઠળ કેસ નોંધ્યો છે. સાથે સાથે IT એક્ટની કલમ 66(C) — કમ્પ્યુટર સિસ્ટમમાં અનધિકૃત ઍક્સેસ, અને 66(F) — સાયબર ટેરર હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે.
ગોવા પોલીસ હાલ તપાસ કરી રહી છે કે આ LED બોર્ડ પર પાકિસ્તાન સમર્થક નારા કેવી રીતે દેખાયા — શું તે કોઈ આંતરિક તકનીકી હેકિંગનું પરિણામ હતું કે પછી સંચાલકોની સંડોવણી હતી. તપાસ માટે પોલીસએ બોર્ડના સોફ્ટવેર ડેટા અને સર્વર ઍક્સેસ લોગ્સ પણ કબજે કર્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel