પ્રખ્યાત લેખિકા અને સામાજિક કાર્યકર સુધા મૂર્તિને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યાં છે. સુધા મૂર્તિ પ્રખ્યાત ઉદ્યોગપતિ અને ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિનાં પત્ની છે. બ્રિટિશ પીએમ ઋષિ સુનક તેમના જમાઈ છે.
PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે (8 માર્ચ) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી હતી. PMએ તેમની પોસ્ટમાં લખ્યું- ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુધા મૂર્તિને રાજ્યસભા માટે નામાંકિત કર્યાં છે. રાજ્યસભામાં તેમની હાજરી સ્ત્રીશક્તિનો સશક્ત પુરાવો છે. સામાજિક કાર્ય, પરોપકાર અને શિક્ષણક્ષેત્રે તેમનું યોગદાન પ્રેરણાદાયી રહ્યું છે.
રાજ્યસભામાં નોમિનેટ થયા બાદ સુધા મૂર્તિએ કહ્યું- હું ખુશ છું, પરંતુ હવે મને લાગે છે કે મને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. પીએમ મોદીએ અગાઉ પણ મારા કામની પ્રશંસા કરી છે. હું તેમનો આભાર માનવા માગું છું. હું ખુશ છું કે હવે મને ગરીબોની મદદ માટે એક મોટું પ્લેટફોર્મ મળી ગયું છે.
મને નથી લાગતું કે હું મારી જાતને રાજકારણી માનું છું. હું નોમિનેટેડ રાજ્યસભા સભ્ય છું. મારા જમાઈની રાજનીતિ તેમના દેશ માટે અલગ છે અને મારું કામ અલગ છે.
I am delighted that the President of India has nominated @SmtSudhaMurty Ji to the Rajya Sabha. Sudha Ji's contributions to diverse fields including social work, philanthropy and education have been immense and inspiring. Her presence in the Rajya Sabha is a powerful testament to… pic.twitter.com/lL2b0nVZ8F
— Narendra Modi (@narendramodi) March 8, 2024
PMએ પોતાની પોસ્ટમાં લખ્યું- મને ખુશી છે કે ભારતના રાષ્ટ્રપતિએ સુધા મૂર્તિજીને રાજ્યસભા માટે નોમિનેટ કર્યા છે. સામાજિક કાર્ય, પરોપકાર અને શિક્ષા સહિત અનેક ક્ષેત્રોમાં સુધાજીનું યોગદાન અતુલનીય અને પ્રેરણાદાયક રહ્યું છે. રાજ્યસભામાં તેમની હાજરી અમારી ‘નારીશક્તિ’નું એક શક્તિશાળી પ્રમાણ છે, જે આપણા દેશની નિયતિને આકાર દેવામાં મહિલાઓની તાકાત અને ક્ષમતાનું ઉદાહરણ છે. તેમના સફળ સંસદીય કાર્યકાળની કામના કરું છું..
મૂર્તિને પદ્મ ભૂષણ અને પદ્મશ્રીથી સન્માનિત કરાયાં હતાં
સુધા મૂર્તિ કન્નડ અને અંગ્રેજી સાહિત્યમાં તેમના યોગદાન માટે જાણીતાં છે. લેખિકા હોવા ઉપરાંત તેઓ એક શિક્ષક અને સામાજિક કાર્યકર પણ છે. સુધા મૂર્તિ ઈન્ફોસિસ ફાઉન્ડેશનના ભૂતપૂર્વ ચેરપર્સન પણ રહી ચૂક્યાં છે.
સુધા મૂર્તિને તેમનાં સામાજિક કાર્ય માટે 2006માં ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. તેમને 2023માં ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો.
બ્રિટનના PM ઋષિ સુનક સુધા મૂર્તિના જમાઈ છે
મૂર્તિનો જન્મ 19 ઓગસ્ટ 1950ના રોજ કર્ણાટકના હાવેરીમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા આર. એચ. કુલકર્ણી એક સર્જન હતા અને તેમની માતા વિમલા કુલકર્ણી શાળાનાં શિક્ષક હતાં. માતા-પિતા અને દાદા-દાદીએ મૂર્તિનો ઉછેર કર્યો.
સુધા મૂર્તિએ વર્ષ 1978માં નારાયણ મૂર્તિ સાથે લગ્ન કર્યા હતા. બંનેને બે બાળકો છે – અક્ષતા મૂર્તિ અને રોહન મૂર્તિ. અક્ષતા મૂર્તિ બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકની પત્ની છે. રોહન મૂર્તિ અમેરિકા સ્થિત સોફ્ટવેર ડેવલપમેન્ટ ફર્મ સોરોકોના સ્થાપક છે.
10 હજાર આપ્યા પછી શરૂ કરી ઈન્ફોસિસ, આજે માર્કેટ કેપ 6,69,920.64 કરોડ રૂપિયા
ઈન્ફોસિસ આજે ભારતની ટોપ-10 મૂલ્યવાન કંપનીઓમાં સામેલ છે. એ ટાટા ગ્રુપ TCS પછી બીજી સૌથી મોટી ટેક કંપની છે. ઈન્ફોસિસનું માર્કેટ કેપ 6 લાખ 69 હજાર 920.64 કરોડ રૂપિયા છે. તેનો બિઝનેસ અમેરિકા, ઈંગ્લેન્ડ સહિત ઘણા દેશોમાં છે.
1981માં નારાયણ મૂર્તિએ છ મિત્રો સાથે મળીને ઈન્ફોસિસ શરૂ કરી. સુધા મૂર્તિએ ઘણા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે જ્યારે નારાયણ મૂર્તિએ કંપની શરૂ કરવાની યોજના બનાવી હતી ત્યારે તેઓ તેમની પત્ની સુધા મૂર્તિ સાથે એક રૂમના મકાનમાં રહેતા હતા.
કંપનીનું નામ નક્કી થઈ ગયું હતું, પરંતુ પૈસાની અછત હતી. નારાયણ મૂર્તિએ એ સમયે તેનો હિસ્સો ચૂકવવા માટે તેની પત્ની પાસેથી 10,000 રૂપિયા ઉછીના લીધા હતા.
એન્જિનિયરિંગ દરમિયાન ડિપાર્ટમેન્ટમાં એકમાત્ર યુવતી હતાં
ચાર વર્ષ પહેલાં ભાસ્કરને આપેલા એક ઈન્ટરવ્યૂમાં સુધા મૂર્તિએ જણાવ્યું હતું કે તેમણે કર્ણાટકની B.V.B. કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી (હવે KLE ટેક્નોલોજિકલ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે)માંથી ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં સ્નાતક કર્યું છે.
તેમણે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર્સ કર્યું. ત્યાર બાદ કર્ણાટકના તત્કાલીન સીએમ તરફથી તેમને ગોલ્ડ મેડલ મળ્યો હતો. સુધાએ જણાવ્યું હતું કે 1974માં પોસ્ટ ગ્રેજ્યુએટ વિભાગ દરમિયાન તેઓ તેમના વિભાગમાં એકમાત્ર છોકરી હતાં અને ત્યાંના લેડીઝ હોસ્ટેલમાં રહેતાં હતાં.
સુધાએ 30થી વધુ પુસ્તકો લખ્યાં
સુધા મૂર્તિએ વિવિધ શૈલીમાં 30થી વધુ પુસ્તકો લખ્યાં છે. તેમનાં પુસ્તકો મુખ્યત્વે કન્નડ અને અંગ્રેજીમાં છે, પરંતુ ઘણી ભારતીય ભાષાઓમાં અનુવાદિત થયાં છે. તેમનાં કેટલાંક પ્રખ્યાત પુસ્તકોમાં ધ મધર આઈ નેવર નો, થ્રી થાઉઝન્ડ સ્ટીચ, ધ મેન ફ્રોમ ધ એગ અને મેજિક ઓફ ધ લોસ્ટ ટેમ્પલનો સમાવેશ થાય છે. તેમનાં ઘણાં પુસ્તકો તેમના વાસ્તવિક જીવનના અનુભવો પર આધારિત છે.