દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોસિયાએ રાઉઝ એવેન્યુ કોર્ટમાં જામીન અરજી કરી હતી. ટ્રાયલ કોર્ટ સમક્ષ સિસોદિયાની અરજી પર CBI દ્વારા પોતાનો જવાબ દાખલ કરવામાં આવ્યો હતો. CBIએ મનીષ સિસોદિયાની જામીન અરજીનો વિરોધ કર્યો. CBIએ કહ્યું કે, અધિકારીઓના કારણે વિલંબ નથી થઈ રહ્યો, યોગ્ય પ્રક્રિયા અપનાવવામાં આવી રહી છે અને આ મામલે તપાસ ખૂબ જ મહત્વપૂર્ણ તબક્કામાં છે.
કેટલાક હાઈ પ્રોફાઈલ લોકોની ધરપકડ કરવામાં આવી શકે છે: CBI
CBIએ કહ્યું કે, આ મામલે કેટલાક હાઈ પ્રોફાઈલ લોકોની ધરપકડ કરવામાં આવી શકે છે. CBIએ કહ્યું કે સિસોદિયા સમગ્ર ષડયંત્રના મુખ્ય આરોપી અને કિંગપિન છે. સિસોદિયાનો સંવેદનશીલ દસ્તાવેજો અને પુરાવા સાથે સામનો કરાવવામાં આવ્યો છે અને તેઓ પુરાવા સાથે છેડછાડ કરી શકે છે. જે દિવસે કેસ દાખલ કરવામાં આવ્યો હતો એ જ દિવસે પૂર્વ ડેપ્યુટી સીએમએ પોતાનો ફોન નષ્ટ કરી નાખ્યો હતો. રાઉઝ એવેન્યુ કોર્ટમાં આ મામલે આગામી સુનાવણી 22 માર્ચના રોજ થશે.
સિસોદિયાએ લગાવી હતી ક્યૂરેટિવ પિટિશન
આ પહેલા સુપ્રીમ કોર્ટમાંથી મનીષ સિસોદિયાને તગડો ઝટકો લાગ્યો હતો. દિલ્હી એક્સાઈઝ પોલિસીમાં કથિત કૌભાંડ સાથે સબંધિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ મામલે સુપ્રીમ કોર્ટે પૂર્વ ડેપ્યુટી સીએમ સિસોદિયાની એ ક્યૂરેટિવ પિટિશનને ફગાવી દીધી હતી જેમાં તેમને જામીન આપવાનો ઈન્કાર કરવાના કોર્ટના ગત વર્ષે 30 ઓક્ટોબરના રોજ આપવામાં આવેલા ચુકાદાને પડકારવામાં આવ્યો હતો.