સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના ચેરપરસન માધબી પૂરી બુચે સોમવારે જણાવ્યું હતું કે, દેશના શેરબજારોમાં તાત્કાલિક પતાવટ થાય તેવી વ્યવસ્થા ઊભી કરવા સેબી વિચારી રહ્યું છે. શેરોના ડિલિસ્ટિંગના ધોરણમાં પણ ફેરબદલ કરવા સેબી વિચારી રહ્યું છે.
શેરબજારમાં વ્યવહારોની તાત્કાલિક પતાવટ થતી જોવા મળશે તેવા દિવસો દૂર નથી એમ તેમણે જણાવ્યું હતું. પતાવટનો સમયગાળો ટૂંકાવવા બોર્ડ વિવિધ હિસ્સેદારો સાથે ચર્ચા કરી રહ્યું છે.
દેશમાં મૂડીની રચનામાં મદદ કરવાના હેતુ સાથે ટેકનોલોજીના ઉપયોગ કરી નવા ઈક્વિટી, તથા ઋણ સાધનોના ભરણાંની ગતિ વધારવા તથા અન્ય દરમિયાનગીરીઓ કરવા પર સેબી વિચારી રહ્યું છે.
ભારતનું અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં છે જેને કારણે મૂડીની રચનામાં ટેકારૂપ બનવા સેબીની ભૂમિકાનું મહત્વ વધી ગયું છે.
જીએસટીના આંકડા દેશના અર્થતંત્રની મજબૂતાઈ દર્શાવે છે અને કંપનીઓ દ્વારા એડવાન્સ ટેકસની ચૂકવણી પણ તેમની કામગીરી આશાસ્પદ જોવા મળવાનું સૂચવે છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
દરમિયાન અન્ય એક અહેવાલમાં, કંપનીઓના શેરોના ડિલિસ્ટિંગ જે રિવર્સ બુક બિલ્ડીંંગ પ્રક્રિયા મારફત થાય છે તેને બદલે ફિક્સ્ડ પ્રાઈસ મારફત કરવાની મંજુરી આપવા સેબી વિચારી રહ્યું હોવાનું પણ સેબીના ચેરપરસનને કહેતા ટંકાયા હતા.
આ મુદ્દે ડીસેમ્બર સુધીમાં સેબી ચર્ચા પત્ર જારી કરવા ઈરાદો ધરાવે છે.