ગુજરાતના અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય નામના ચક્રવાતને લઈને હવામાન વિભાગ દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે કે વાવાઝોડું ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને આગામી બે દિવસ સુધી આ દિશામાં જ આગળ વધતું રહેશે તેવી શક્યતા છે. 12 જૂન સુધી ગોવા, કર્ણાટક, કેરળના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન તોફાની થવાની શક્યતા છે, સાથે જ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બિપોરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ગુજરાતમાં ભારે પવન વરસાદની આગાહી કરી છે.
ભાવનગર, અમરેલી, જામનગર, માંગરોળ, પોરબંદર, ઉના, વસસાડ, નવસારી અને દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે. વલસાડના તિથલ બીચને બંધ કરીને ત્રણ કિલોમીટર સુધી કડક પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત દરિયાકાંઠાનાં 42 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.
અમદાવાદના હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી 830 કિમી દૂર છે. આગામી 24 કલાક રાજ્યમાં વરસાદની આગાહી છે. આવતીકાલથી દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદ પડશે. આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આગામી 2 દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 35થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાશે. વાવાઝોડું 6 કિમીની ઝડપે વધી રહ્યું છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગે ચેતવણી જાહેર કરવામાં આવી છે કે ચક્રવાત ધીમે ધીમે ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે જેને પગલે દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બની ગયુ છે તેમજ તાલુકા કક્ષાના અધિકારીઓને પોતાના હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે. ગુજરાતના બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે તેમજ નેશનલ અને રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટની 11 ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે.
રાજ્યમાં વાવાઝોડાના પગલે તંત્રએ સાવધાની રાખવા માટે લોકોને દરિયાકાંઠે અવરજવર તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હતી તેમ છંતાપણ ગઈકાલે દ્વારકાના દરિયામાં એક યુવક નાહવા પડતાં ડૂબવા લાગ્યો અને બૂમાબૂમ કરતા ડૂબી રેહલા યુવકને બચાવવા માટે એક યુવકે દરિયામાં છંલાગ લગાવી હતી જો કે ડૂબી રહેલો યુવક થોડીવારમાં દરિયાકાંઠે આવી ગયો હતો જ્યારે બચાવવા ગયેલો યુવક દરિયામાં લાપત્તા બન્યો હતો જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.