સુપ્રીમ કોર્ટમાં વક્ફ સંશોધન કાયદાને પડકારતી 100થી વધુ અરજીઓ પર સતત ત્રીજા દિવસે સુનાવણી ચાલી હતી. મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઈ અને એ. જી. મસીહની બેંચ દ્વારા સુનાવણી વખતે કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલો કરી હતી. તેમણે અરજીઓ મુદ્દે કોઈપણ વચગાળાના આદેશનો વિરોધ કરી કહ્યું કે, અંતિમ સુનાવણી બાદ, જો કોર્ટને કાયદો ગેરબંધારણીય લાગતો હોય તો તેને રદ કરી શકે છે. જો કોર્ટ વચગાળાનો આદેશ આપી કાયદો અટકાવશે અને આ દરમિયાન કોઈ સંપત્તિ વક્ફમાં જતી રહેશે તો તેને પરત લેવી મુશ્કેલ થઈ જશે.
‘વક્ફ અલ્લાહનો હોય છે અને જો કોઈ સંપત્તિ વક્ફમાં જાય, તો તેને પરત લેવી સરળ નથી’
તુષાર મહેતાએ દલીલ કરી છે કે, વક્ફ અલ્લાહનો હોય છે અને જો કોઈ સંપત્તિ વક્ફમાં જાય, તો તેને પરત લેવી સરળ નથી. વક્ફ બનાવવો અને વક્ફને દાન કરવું, બંને અલગ છે. આ જ કારણે વક્ફ કરવા માટે પાંચ વર્ષના પ્રેક્ટિસિંગ મુસ્લિમ (દાતાઓ ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી મુસ્લિમોની પ્રેક્ટિસ કરતાં હોવા જોઈએ અને તે મિલકતની માલિકી હોવી જોઈએ)ની જોગવાઈ કરવામાં આવી છે, જેથી કરીને વક્ફના ઉપયોગમાં કોઈપણ પ્રકારની છેતરપિંડી ન થાય.
‘આ વ્યવસ્થા ખૂબ જ ખતરનાક છે, તેથી તેને અટકાવવી જરૂરી’
સોલિસિટર જનરલે ટ્રાઇબલ એરિયામાં વધતી વક્ફ સંપત્તિ મામલે દલીલ કરી છે કે, નવા કાયદાના કારણે આદિવાસી વિસ્તારમાં જમીન ખરીદવા ઇચ્છતો સામાન્ય વ્યક્તિ હવે સંપત્તિ ખરીદી શકતો નથી, કાયદો તેની મંજૂરી આપતો નથી. પરંતુ અગાઉના નિયમ મુજબ જો તે જ વ્યક્તિ પોતાની સંપત્તિ વક્ફ કરાવવા માંગે તો તે કરી શકતો હતો. આ વ્યવસ્થા ખૂબ જ ખતરનાક છે, તેથી તેને અટકાવવી જરૂરી છે.’
તુષાર મહેતાએ બીજા દિવસની સુનાવણીમાં પણ મજબૂત પક્ષ રજૂ કર્યો હતો
ગઈકાલે બીજા દિવસે થયેલી સુનાવણી દરમિયાન પણ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ મજબૂત રીતે કાનૂની પક્ષ રજૂ કર્યો હતો. તેમણે સરકાર તરફથી કોર્ટમાં દલીલ કરી હતી કે, વક્ફ કાયદામાં ફેરફારો અંગે વ્યાપક ચર્ચા અને સલાહ સૂચન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, ‘વક્ફ ઇસ્લામનો જરૂરી હિસ્સો નથી, માત્ર એક દાનની પ્રક્રિયા છે. અરજદારો સમગ્ર મુસ્લિમ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતાં નથી. વક્ફ બોર્ડ માત્ર ધર્મનિરપેક્ષ કામકાજ કરે છે, જ્યારે મંદિર સંપૂર્ણ રીતે ધાર્મિક સંસ્થા હોય છે અને તેમનું સંચાલન મુસ્લિમ વ્યક્તિ પણ સંભાળી શકે છે. વક્ફ એક ઇસ્લામી વિચાર છે, પરંતુ આ ઇસ્લામનો મૂળ અને જરૂરી હિસ્સો નથી. આ માત્ર ઇસ્લામમાં દાન આપવાની વ્યવસ્થા છે. જેમ કે ઇસાઇ ધર્મમાં ચેરિટી, હિંદુ ધર્મમાં દાન અને શીખ ધર્મમાં સેવાની પરંપરા હોય છે, એવી જ રીતે વક્ફ છે.’
97 લાખથી વધુ લોકો તરફથી સૂચનો મળ્યા
તેમણે કહ્યું કે, આ વિષય પર 97 લાખથી વધુ લોકો તરફથી સૂચનો મળ્યા હતા, અને વિવિધ સ્તરે મીટિંગોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં આ સુધારાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. એસજીએ જણાવ્યું હતું કે, 25 વક્ફ બોર્ડ પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યો હતો, જેમાંથી કેટલાકે રુબરુમાં આવીને તેમનો અભિપ્રાય રજૂ કર્યો હતો. આ ઉપરાંત રાજ્ય સરકારો સાથે પણ સલાહ-સૂચન કરાયું હતું. તુષાર મહેતાએ કહ્યું કે, ‘સુધારાની દરેક કલમ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કેટલાક સૂચનોનો સ્વીકાર કરવામાં આવ્યો હતો, જ્યારે કેટલાક નથી સ્વીકારાયા.’
ગઈકાલની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું ?
સુનાવણી દરમિયાન જસ્ટિસ બીઆર ગવઈએ સવાલ ઉઠાવ્યો હતો કે, તેમની દલીલ એ છે કે આ મામલે સરકાર પોતે પોતાનો દાવો નક્કી કરશે? આ અંગે એસ. જી. મહેતાએ કહ્યું, ‘એ સાચું છે કે સરકાર પોતાના દાવા અંગે પુષ્ટિ નથી કરી શકતી. શરુઆતના બિલમાં કહેવામાં આવ્યું હતું કે, કલેક્ટર નિર્ણય લેશે. વાંધો એ હતો કે કલેક્ટર પોતાના કેસમાં ન્યાયાધીશ રહેશે.એટલે જેપીસીએ સૂચન કર્યું કે, કલેક્ટર સિવાય અન્ય કોઈને નિયુક્ત અધિકારી બનાવવો જોઈએ.’ તેમણે સ્પષ્ટતા કરી કે, મહેસૂલ અધિકારીઓ માત્ર રૅકોર્ડ માટે નિર્ણયો લે છે અને ટાઇટલને અંતિમ સ્વરૂપ આપતા નથી. સરકાર બધા નાગરિકો માટે જમીનના ટ્રસ્ટી તરીકે રાખે છે. વક્ફ ઉપયોગ પર આધારિત છે, એટલે કે જમીન કોઈ બીજાની છે, પરંતુ યુઝરે લાંબા સમયથી તેનો ઉપયોગ કર્યો છે. ત્યારે જરુરી છે કે, તે ખાનગી અથવા સરકારી મિલકત હોય. જો કોઈ ઇમારત સરકારી જમીન પર હોય, તો શું સરકાર તપાસ ન કરી શકે કે, આ મિલકત તેમની છે કે નહીં?’ આ જોગવાઈ કલમ 3(C) હેઠળ કરવામાં આવી છે.’
સુપ્રીમ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય અનામત રાખ્યો
ઉલ્લેખનીય છે કે, મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઈની સાથે ન્યાયાધીશ ઓગસ્ટીન જ્યોર્જ મસિહની બેન્ચે વક્ફ (સુધારા) કાયદા-2025ને પડકારતી અરજીઓની સુનાવણી મંગળવારથી શરુ કરી હતી અને આજે ત્રીજા દિવસે પણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સાથે વકફ સુધારા અધિનિયમ-2025 વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓ પર ગુરુવારે (22 મે, 2025) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ છે. મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈ અને ન્યાયાધીશ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે કેન્દ્ર અને અરજદારોની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય અનામત રાખ્યો હતો. અરજદારોએ વકફ કાયદામાં કરવામાં આવેલા ફેરફારો પર રોક લગાવવાની માંગ કરી હતી.