સુપ્રીમ કોર્ટે કથિત દિલ્હી લીકર પોલિસી કૌભાંડ મામલે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની જામીન અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. સિસોદિયાની CBI અને ED બંને દ્વારા તપાસ કરવામાં આવી રહેલી દિલ્હી લીકર પોલિસી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા દિલ્હી લીકર પોલિસી કેસમાં જેલમાં બંધ છે. આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાના જેલમાં 8 મહિના થઈ ગયા છે. CBI અને ED આ મામલે તપાસ કરી રહી છે. સતત ફગાવવામાં આવી રહેલી જામીન અરજીઓની વચ્ચે સુપ્રીમ કોર્ટે સોમવારે CBI અને EDને કહ્યું હતું કે, સિસોદિયાને અનિશ્ચિત સમય સુધી જેલમાં ન રાખી શકાય.
CBI અને ED એ સોમવારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, અમે દિલ્હી લીકર પોલિસી મામલે આમ આદમી પાર્ટીને આરોપી બનાવવા પર વિચાર કરી રહ્યા છે. તપાસ એજન્સીઓ તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કોર્ટને જણાવ્યું હતું કે, તેઓ લીકર પોલિસી કૌભાંડ મામલે AAPને આરોપી બનાવવા પર વિચાર કરી રહ્યા છે. કેસમાં મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી દરમિયાન તપાસ એજન્સીઓએ આ દલીલ આપી હતી.
Supreme Court reserves order on bail plea of former Deputy Chief Minister of Delhi, Manish Sisodia in connection with the alleged Delhi liquor policy scam.
Sisodia was arrested in the excise policy cases being probed by both the Central Bureau of Investigation (CBI) and the… pic.twitter.com/8lMFbN8ES1
— ANI (@ANI) October 17, 2023
આ અગાઉ શું થયુ હતું?
આ અગાઉ 5 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટે દિલ્હી લીકર પોલિસીના લાભાર્થીઓને લઈને તપાસ એજન્સીઓને ગંભીર સવાલ પૂછ્યા હતા. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે લાભાર્થી AAPને મની લોન્ડરિંગ કેસમાં આરોપી કેમ ન બનાવવામાં આવી?
જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવીએન ભાટીની ખંડપીઠે આ સવાલ ત્યારે ઉઠાવ્યો હતો જ્યારે ભ્રષ્ટાચાર મામલે પૂર્વ ડેપ્યુટી સીએમ અને AAP નેતા મનીષ સિસોદિયાની બે અલગ-અલગ જામીન અરજીઓ પર સુનાવણી શરૂ કરી હતી જેની તપાસ CBI દ્વારા કરવામાં આવી રહી છે. ED દ્વારા સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસ કરવામાં આવી રહી છે. EDએ દાવો કર્યો હતો કે, આમ આદમી પાર્ટીએ 2022ની ગોવા વિધાનસભા ચૂંટણીમાં પોતાના પ્રચાર માટે ઘણા હિતધારકો પાસેથી લાંચમાં મળેલા 100 કરોડ રૂપિયાનો ઉપયોગ કર્યો હતો.
26 ફેબ્રુઆરીના રોજ ધરપકડ કરી હતી
સિસોદિયાની ‘કૌભાંડ’માં કથિત ભૂમિકા બદલ CBI દ્વારા 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તેઓ કસ્ટડીમાં છે. EDએ તિહાર જેલમાં તેમની પૂછપરછ કર્યા બાદ 9 માર્ચના રોજ CBIની FIR સાથે સંબંધિત મની લોન્ડરિંગ મામલે તેમની ધરપકડ કરી હતી. તેમણે 28 ફેબ્રુઆરીએ દિલ્હી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધુ હતું.