અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનની મધ્યસ્થી બાદ આખરે તૂર્કિયે દ્વારા નાટોમાં સ્વિડનના પ્રવેશને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. યુક્રેન પર રશિયાના આક્રમણના 16 મહિના પછી નાટોના વિસ્તરણના પ્રયાસોને મોટી સફળતા મળી છે. એક વર્ષમાં નાટોમાં 2 નોર્ડિક દેશો (ફિનલેન્ડ અને સ્વિડન)નું સભ્યપદ ઉત્તર યુરોપમાં રશિયા સામે નવી સંરક્ષણ કવચ પ્રદાન કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન ગુરુવારે ફિનલેન્ડના હેલસિન્કી ખાતે પહોંચી રહ્યા છે અને યુક્રેન સંકટ વચ્ચે અમેરિકા નાટો દેશોની સાથે છે.
માર્ચ 2022માં યુક્રેન પર રશિયાના હુમલા બાદ સ્વિડન અને ફિનલેન્ડ બંનેએ તેમની વર્ષોથી ચાલતી તટસ્થતાની નીતિને છોડી એપ્રિલ 2022માં નાટોના સભ્યપદ માટે પ્રયાસો કર્યા હતા. ફિનલેન્ડ નાટોનું 31મું સભ્ય બન્યું, સ્વિડનના આ નિર્ણયથી નાટોની તાકાત તો વધશે જ પરંતુ રશિયાને રોકવામાં પણ મદદ મળશે. યુરોપને ઉત્તરમાં રશિયા સામે મજબૂત સુરક્ષા દીવાલ મળશે.
નાટો: કોઈ પણ સભ્ય દેશ પર હુમલો એ સંગઠન પર જ હુમલો માનવામાં આવશે
- ફિનલેન્ડની 1340 કિમી લાંબી સરહદ રશિયા સાથે જોડાયેલી છે. જો ફિનલેન્ડને કંઈક થાય તો નાટો દળો સ્વિડન થઈને ફિનલેન્ડ-રશિયા સરહદ સુધી પહોંચી શકે છે.
- નાટોમાં સ્વિડનના પ્રવેશ બાદ નાટોની દેખરેખ માત્ર રશિયાની જમીની સરહદ પર જ નહીં પરંતુ તેની દરિયાઈ સરહદ પર પણ વધશે. સ્વિડનના વ્યૂહાત્મક સ્થાનથી નાટોને ફાયદો થશે.
- બાલ્ટિક સમુદ્રમાં સ્થિત સ્વિડનના ગોટલેન્ડ દ્વીપને કારણે નાટો ત્યાં નૌકાદળનું બેઝ બનાવીને રશિયાની પરમાણુ સબમરીનની ગતિવિધિઓ પર પણ નજર રાખી શકશે.
સ્વિડન 200 વર્ષથી કોઈ યુદ્ધમાં સામેલ નથી
19મી સદીની શરૂઆતમાં નેપોલિયનિક યુદ્ધોથી સ્વિડન સમગ્ર વિશ્વમાં તટસ્થ રહ્યું છે. સ્વિડને છેલ્લાં 200 વર્ષમાં કોઈ મોટું યુદ્ધ નથી લડ્યું. છેલ્લું એક 1814માં સ્વિડન-નોર્વે યુદ્ધ થયું હતું. આ પછી સ્વિડન બંને વિશ્વયુદ્ધોમાં તટસ્થ રહ્યું. શીતયુદ્ધ પછી, સ્વિડને તટસ્થતાની તેમજ લશ્કરી બિન-જોડાણની નીતિનું પાલન કર્યું.
ઇનસાઇડ સ્ટોરી: બાઈડને 45 મિનિટ વાત કરી, એર્દોગન માન્યા
રવિવારે અમેરિકન એરફોર્સ વન એરક્રાફ્ટ એટલાન્ટિક મહાસાગરથી 30 હજાર ફૂટની ઊંચાઈ પર હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિ બાઇડેને તૂર્કિયેના રાષ્ટ્રપતિ એર્દોગન સાથે 45 મિનિટ સુધી ફોન પર વાત કરી અને સ્વિડનને નાટોમાં સામેલ થવા માટે સમજાવ્યું. તૂર્કિયેએ લિથુઆનિયામાં બેઠક પહેલાં શરતો નક્કી કરી હતી, પરંતુ બાઇડેને તેમને દરેક મામલામાં મનાવી લીધા હતા.
- એર્દોગનની માંગ- અમેરિકી સંસદે તૂર્કિયેને એફ-16 વિમાનોને મંજૂરી આપવી જોઈએ.
- ઈયુ સાથે વધુ સારા વેપાર સંબંધો રાખવા.
- સ્ટોકહોમ સ્થિત તૂર્કિયે વિરોધી જૂથો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
બાઇડેનનો જવાબ
- એફ-16 ડીલને લઈને અમેરિકી સેનેટરોના સંપર્કમાં રહ્યા
- અમેરિકા તૂર્કિયેના ઈયુ સભ્યપદ અંગે વાત કરશે, સ્વિડન પગલાં ભરશે.