આપણા દેશના પુર્વોત્તર રાજ્ય મણિપુરમાં છેલ્લા બે મહિનાઓ કરતાં પણ વધુ સમયથી વિવિધ સમુદાયો – સમૂહો વચ્ચે હિંસક વર્ગ – વિગ્રહ ચાલી રહેલ છે જેના અનુસંધાનમાં આજરોજ તાપી જિલ્લાના આદિવાસી સમાજ દ્વારા મૌન રેલી કાઢીને કલેક્ટરને રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
મણિપુરની ઘટનામાં સેંકડો હત્યાઓ, બળાત્કાર, અત્યાચાર તેમજ જાન-માલને પારાવાર નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે. મણિપુર રાજ્યમાં લગભગ છેલ્લા બે મહિનાથી ઇન્ટરનેટ સેવા તથા અન્ય સેવાઓ બંધ હોવાથી ત્યાં શું થઈ રહ્યું છે, તે બાબતોથી દેશ અજાણ હતો. ઇન્ટરનેટ સેવા શરૂ થતાં જ બે મહિલાઓને ટોળા દ્વારા જાહેરમાં નગ્ન પરેડ કરાવી તેમની સાથે પાશવી હરકતો કરવામાં આવે તે પ્રકારનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ હતો. જેમાં સમાચારના માધ્યમોથી જાણવા મળ્યું હતું કે આ બંને મહિલાઓ પર સામૂહિક બળાત્કાર પણ કરવામાં આવેલ હતો.
આદિવાસી સમાજના આગેવાનો દ્વારા કલેક્ટરને વિનંતી કરવામાં આવી હતી કે આવા દોષીઓને કડકમાં કડક સજા થાય એવી અરજી આપના થકી રાષ્ટ્રપતિને પહોંચાડવા વિનંતી કરી હતી.
આજની રેલીમાં તાપી જિલ્લાના ગામોમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો અને સમાજના આગેવાનો જોડાયા હતા.
તાપી જિલ્લા પોલીસ વહીવટી તંત્ર દ્વારા પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં રેલીયોજી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.