ભરુચ શહેરમાં નર્મદા નદી કિનારે ભગવાન ઝુલેલાલનું મંદિર આવેલુ છે. ભારત પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી ભગવાન ઝુલેલાલના વંશજ ઉડેરોલાલ મંદિરથી દરિયાઈ માર્ગે અખંડ જ્યોત લઈને ભરુચ શહેરમાં આવ્યા ત્યારે જ્યોતને પહેલા શિવ મંદિરમાં સ્થાપિત કરવામાં આવી હતી. પછી ભગવાન ઝુલેલાલનું મંદિર બનાવી સિંધ પ્રાંતમાં આવેલા મંદિર પ્રમાણે જ અહિં જ્યોતનું સ્થાપન કરવામાં આવ્યુ હતુ. પ્રાચીન શહેર ભરુચનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં મળે છે. સિંધી સમાજ માટે ખૂબ મહત્વનું શહેર ભરુચ એક સમયે જહાજ બનાવવા માટે પ્રસિદ્ધ હતુ. સિંધી સમાજનું ભગવાન ઝુલેલાલનું મુખ્ય મંદિર અહિં આવેલું છે. ભારત પાકિસ્તાનના વિભાજન પછી સિંધી સમાજના દેવતા ભગવાન ઝુલેલાલના વંશજ ભરુચમાં આવીને વસ્યા હતા. અને ભરુચમાં ભગવાન ઝુલેલાલનું ભવ્ય મંદિર બનાવ્યુ હતુ. ઝુલેલાલ ભગવાનના મંદિરે આવતા ભાવિકો તેમના ગ્રંથ અમરકથાનું પઠન કરે છે આ ગ્રંથની રચનાની શરુઆત 1018માં થઈ અને તેની પૂર્ણાહુતી 1020ના ભાદરવા મહિનાની ચૌદસે થઈ હતી ત્યારે ભગવાન ઝુલેલાલ ધરતીમાં અંતર ધ્યાન થયા હતા.
ભરુચમાં ભગવાન ઝુલેલાલનું મુખ્ય મંદિર
ભાવિકો મંદિરે દર્શન કરીને ધન્યતા અનુભવે છે
ભરુચ શહેરમાં સિંધી સમાજના અનેક પરિવારો વસે છે. માનનીય ઠાકુર ઓમપ્રકાશ ભગવાન ઝુલેલાલના પચ્ચીસમાં વંશજ છે. મંદિરની સંપુર્ણ દેખરેખ તેમનો પરિવાર રાખે છે. મંદિરે દર વર્ષે હર્ષોલ્લાસ સાથે ચાલિહો ઉત્સવ મનાવવામાં આવે છે જેને દેશના બીજા શહેરોના ઉત્સવ કરતાં વિશેષ ગણવામાં આવે છે. ભગવાન ઝુલેલાલના મંદિરે વર્ષ દરમ્યાન અનેક ઉજવણી કરવામાં આવે છે. ભાવિક ભક્તો આ દરેક ઉજવણીમાં ઉલ્લાસભેર જોડાય છે. જે શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ થાય તે લોકો મંદિરે ભંડારો અને આરતી કરી ભગવાનના આશીર્વાદ મેળવી ધન્ય થાય છે. કોઈને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા હોય તો તે નજીવી રકમ ભરી રજીસ્ટ્રેશન કરાવી નિદાન કરાવી શકે તેવી આધુનિક હોસ્પિટલ ઝુલેલાલ મંદિર તરફતી બનાવવામાં આવી છે. આમ ભગવાન ઝુલેલાલ મંદિર ભક્તિ અને સેવાનો સંગમ છે. વર્ષોથી નિયમિત ભગવાન ઝુલેલાલના દર્શન કરવા આવતા ભાવિક ભક્તોને ભગવાન પર અતૂટ શ્રદ્ધા આસ્થા છે. ભાવિકો મંદિરે દર્શન કરીને ધન્યતા અનુભવે છે અને મંદિર ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતી હોસ્પિટલમાં સેવા આપીને પુણ્ય કર્મ કરી અલૌકિક અહેસાસ કરે છે.
અમૃત સમાન જળ ભાવિક ભક્તોના કષ્ટ કરે છે દૂર
મંદિરેથી દર્શનાર્થીઓને આપવામાં આવતુ જળ ગંગાજળ સમાન છે. મંદિરમાં જળ અને જ્યોતની પૂજા થાય છે. આખા મહિના સુધી જે જળની પૂજા અર્ચના થાય છે તેને દર મહિનાની બીજના દિવસે બદલવામાં આવે છે. અને તે જળ મંદિરે આવતા દર્શનાર્થીઓને પ્રસાદરુપે આપવામાં આવે છે જેને લોકો ઘરે લઈ જઈ ગ્રહણ કરે છે અમૃત સમાન ગણવામાં આવતુ જળ ભાવિક ભક્તોના કષ્ટ દૂર કરે છે. મંદિરે ઝુલેલાલ ભગવાનની જન્મ જયંતિની ધામધૂમપુર્વક ઉજવણી કરવામાં આવે છે. દર બીજના દિવસે કરવામાં આવતી પૂજામાં જે લોકો દર્શન કરે છે તેમની મનોકામના પૂર્ણ થાય છે એટલે તે ભાવિકો મંદિરે વરુણદેવની પૂજા કરાવે છે. ગુરુપૂર્ણિમાએ ભવ્ય મેળો થાય છે જેમાં ભાવિકો હર્ષલ્લાસ સાથે જોડાય છે. ઝુલેલાલ ભગવાનને મીઠા ભાત અને ચણાનો પ્રસાદ ધરાવવામાં આવે છે.