સંસદમાં કેટલાક સભ્યોએ સરકારને પૂછ્યુ કે શું 2000 રૂપિયાની નોટને જમા કરાવવાની ડેડલાઈન લંબાવામાં આવશે. જેની પર નાણા મંત્રાલયે જવાબ આપ્યો. ઉલ્લેખનીય છે કે 19 મેના રોજ રિઝર્વ બેંકે 2000 રૂપિયા પાછા મંગાવવાની જાહેરાત કરી હતી.
શું ડેડલાઈન લંબાવાશે
ડેડલાઈનને લંબાવાની સ્થિતિને સ્પષ્ટ કરતા નાણા મંત્રાલયે કહ્યું કે 2000 રૂપિયાની નોટને જમા કરાવવાની અંતિમ તારીખ લંબાવાશે નહીં એટલે કે જેની પાસે હજુ પણ 2000 રૂપિયાની નોટ છે, તેમણે 30 સપ્ટેમ્બર પહેલા જમા કરાવવી પડશે. સંસદના ચોમાસુ સત્રમાં સુપ્રિયા સૂળે સહિત અમુક સાંસદોએ આ વિશે પૂછ્યુ હતુ. સાંસદોના પ્રશ્નોનો જવાબ આપતા નાણા રાજ્ય મંત્રી પકંજ ચૌધરીએ સ્પષ્ટ કરી દીધુ કે ડેડલાઈનમાં કોઈ પણ પરિવર્તન કરવામાં આવશે નહીં. તેમણે કહ્યુ કે હાલ સરકાર આવો કોઈ વિચાર કરી રહી નથી. નાણા રાજ્ય મંત્રીએ કહ્યુ કે જે 2000 રૂપિયાની નોટ પાછી બેન્કમાં જમા કરાવવામાં આવી રહી છે, તેના બદલે આપવા માટે બીજી કરન્સીનો સ્ટોક ઉપલબ્ધ છે.
મે મહિનામાં સરકારે નિર્ણય લીધો હતો
ભારતીય રિઝર્વ બેન્કે મે મહિનામાં સૌથી મોટી કરન્સી 2000 રૂપિયાની નોટ પર નિર્ણય લીધો હતો, જોકે રિઝર્વ બેન્કે કહ્યુ હતુ કે 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ 2000 રૂપિયાના નોટને ક્લીન નોટ પોલિસી હેઠળ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પોલિસી હેઠળ આરબીઆઈ ધીમે-ધીમે 2000ની નોટ બજારમાંથી પાછી મંગાવી રહ્યા છે.
2016માં રિઝર્વ બેન્કે આ નોટ બહાર પાડી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર 2016એ દેશમાં નોટબંધીનું એલાન કર્યુ હતુ ત્યારે 500 અને 1000 ની નોટ ચલણમાં રદ કરી દેવાઈ હતી. સરકારના આ નિર્ણયથી દેશમાં ખૂબ હાહાકાર મચી ગયો હતો, પરંતુ બાદમાં નવી નોટ કરન્સી માર્કેટનો ભાગ બની.
સરકારે 200, 500 અને 2000ની નોટ લોન્ચ કરી હતી પરંતુ હવે આમાંથી 2 હજારની નોટ પાછી મંગાવવામાં આવી છે, નવેમ્બર 2016માં નોટબંધી બાદ આગામી અમુક મહિનાઓ સુધી દેશમાં ખૂબ અફરાતફરીનો માહોલ બની રહ્યો હતો. લોકોને જૂની નોટ જમા કરાવવા અને નવી નોટ મેળવવા માટે બેન્કોમાં લાંબી લાઈનોમાં ઊભુ રહેવુ પડ્યુ હતુ.