શિવ અને રામનાં ચરિત્ર વર્ણન પ્રસંગો સાથે રામકથા ‘માનસ મહાકુંભ’ ગાન કરતાં મોરારિબાપુએ શૈવ અને વૈષ્ણવ સંગમ ભાવ જણાવી સનાતન ધર્મની વ્યાખ્યા એટલે શાશ્વત મૂલ્યો સાથે નિરંતર તત્વ ગણાવેલ. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે પ્રયાગરાજમાં આ રામકથા પ્રસંગે હવે રામનાં ચરિત્રનું આચરણ થશે તેવી હૈયાધારણ વ્યક્ત કરી.
પ્રયાગરાજ મહાકુંભમેળામાં પરમાર્થ નિકેતન આશ્રમમાં ચાલતી કથા ‘માનસ મહાકુંભ ‘ ગાન કરતાં વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ આ સંગમ ક્ષેત્રનાં વિવિધ નીરૂપણો જણાવતાં ભારદ્વાજમુનિ સાથે યાજ્ઞવલ્ક્યમુનીનાં સંવાદ સાથે શૈવ અને વૈષ્ણવ સંગમ ભાવ જણાવી સનાતન ધર્મની વ્યાખ્યા એટલે શાશ્વત મૂલ્યો સાથે નિરંતર તત્વ ગણાવેલ.
રાષ્ટ્રનાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે પ્રયાગરાજમાં આ રામકથા પ્રસંગે પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું કે, રામ ચરિત્ર આપણને ગમે છે પણ તેનાં જેવું જીવન જીવતા નથી, પરંતુ મોરારિબાપુનાં વ્યાસાસને થોડા સમય બાદ એક હજાર કથા પૂરી થશે, જે વંદનીય ગણાવી હવે રામનાં ચરિત્રનું આચરણ થશે તેવી હૈયાધારણ વ્યક્ત કરી.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિપદે હતાં ત્યારે પણ મુખ્ય શિરસ્તાનો ભાર મૂકીને તલગાજરડા ચિત્રકૂટધામ તેઓનું આગમન થયું હતું અને મોરારિબાપુ સાથે પ્રાસંગિક વાતો કરી હતી. આ અંગે પણ કથામાં ઉલ્લેખ થયો.
પરમાર્થ નિકેતન આશ્રમનાં ચિદાનંદ સરસ્વતીજીએ રામનાથ કોવિદજીનાં રાષ્ટ્રપતિપદ દરમિયાનનાં રાષ્ટ્ર માટેનાં નિર્ણયોનો સાનંદ ઉલ્લેખ કરી આવકાર આપ્યો હતો.
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ પરિવાર સાથે કથા શ્રવણમાં જોડાયાં હતાં અને પ્રસન્નતા વ્યક્ત કરી હતી.