આણંદમા શનિવારે સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત-વિકસિત ગુજરાત’ની નેમને સાકાર કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રૂ.૨,૯૯૩ કરોડના ખર્ચે ૧,૩૧,૪૫૪ જેટલા આવાસોનું વર્ચ્યુઅલ માધ્યમથી ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.
આ કાર્યક્રમ ગુજરાતના ૧૮૨ વિધાનસભા ક્ષેત્રોમાં યોજવામાં આવ્યો હતો. જે અંતર્ગત આણંદ જિલ્લાના સાત વિધાનસભા ક્ષેત્રોમાં કુલ ૬૦૫ આવાસોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયા હતાં.આ કાર્યક્રમ અંતર્ગત અક્ષરફાર્મ,આણંદ ખાતે ધારાસભ્ય યોગેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાત રાજ્યના ૧,૩૧,૪૫૪ પરિવારોને આવાસોની ભેટ આપવા જઈ રહ્યા છે ત્યારે આ ઐતિહાસિક ક્ષણ આપણા સૌ માટે ગૌરવશાળી છે. જેના માટે આપણે સૌ વડાપ્રધાનના આભારી છીએ. તેમણે આણંદ શહેરને મહાનગર પાલિકાનો દરજ્જો આપવા બદલ રાજ્ય સરકારનો પણ ભાર વ્યક્ત કર્યો હતો.
ધારાસભ્યએ વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અંત્યોદયની સેવાનો યજ્ઞ આરંભ્યો છે, જેના પરિણામે છેવાડાના માનવી સુધી સરકારી યોજનાના લાભ પહોંચ્યા છે. ગરીબનું દુઃખ શું હોય તે વડાપ્રધાન સમજે છે એટલે જ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની ચિંતા કરીને તેમને તમામ મૂળભૂત સુવિધાઓ મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરી છે.
તેમણે જણાવ્યું હતું કે, ગરીબ વ્યક્તિ મૂળભૂત સુવિધાથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. યોગ્યતાને પાત્ર તમામ પરિવારોને ઘરનું ઘર આપવામાં આવી રહ્યું છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં અસમાનતા દૂર કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ગેસ, પાણી, લાઈટ, શૌચાલય સહિતની સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે.
યોગેશભાઈ પટેલે ઉમેર્યું કે, સરકાર ગરીબોની વ્હારે આવી છે.કાચા મકાનવાળાને પાકા મકાન બનાવી આપવામાં આવે છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્રઢ નિશ્ચયના કારણે સમગ્ર રાજ્યમાં અવિરત વિકાસ થઈ રહ્યો છે. ગરીબો, વંચિતો અને શોષિતો માટે આ સરકાર કામ કરી રહી છે. ગામડાઓની કાયાપલટ કરવામાં આવી રહી છે. મકાનોની ફાળવણીમાં પારદર્શિતા લાવવાની સાથે લાભાર્થીઓને મળતી સહાય સીધી બેંકમાં જમા કરાવવામાં આવે છે, આ ઉપરાંત મૂળભૂત સુવિધાયુક્ત મકાન આપવામાં આવી રહ્યા છે.
ધારાસભ્યએ ગરીબ, વંચિત અને છેવાડાના માણસોને સ્પર્શતી કેન્દ્ર અને રાજ્ય સરકારની ‘ઉજ્જવલા યોજના’,વિધવા સહાય યોજના’, ‘આયુષ્માન યોજના’, પ્રધાનમંત્રી અન્ન યોજના’ વગેરે કલ્યાણકારી યોજના વિશે ઉપસ્થિત લોકોને માહિતગાર કર્યા હતાં અને તમામ યોજનાઓનો નાગરિકો વધુમાં વધુ યોજનાઓનો લાભ લે એવી અપીલ કરી હતી.
આ તકે આવાસ યોજનાના લાભાર્થીઓ પંકજભાઈ પ્રજાપતિ,ચીમનભાઈ તળપદા, અરવિંદભાઈ પરમાર,યુસુફભાઈ વોરા, વિજયભાઈ પ્રજાપતિ,સુરેશભાઈ ઠાકોર અને મુકેશભાઈ પરમારે આવાસ યોજનાના સુખદ્ અનુભવ વર્ણવતા પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંવાદ સહિતના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ લોકોએ એલ.ઈ.ડી. સ્ક્રિન પર પ્રધાનમંત્રીશ્રીનું જીવંત પ્રસારણ,લાભાર્થીઓ સાથેનો સંવાદ કાર્યક્રમ નિહાળ્યો હતો.
કાર્યક્રમના પ્રારંભમાં ચીફ ઓફિસર એસ.કે ગરવાલે સૌનું શબ્દિક સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય અને મહાનુભાવોના હસ્તે આવાસ યોજનાના લાભાર્થીઓને મકાન સહાયના લાભ-ચાવી અર્પણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટર ઋતુરાજ દેસાઈ,પ્રાદેશિક કમિશનર કચેરીના અધિક કલેક્ટર મેહુલભાઈ પંડ્યા, પૂર્વ સાંસદ દિપકભાઈ પટેલ,દિલીપભાઈ પટેલ, આણંદ નગરપાલિકાના પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ, અગ્રણી મહેશભાઈ પટેલ, મયુરભાઈ પટેલ, સુનિતભાઈ પટેલ,જગતભાઈ પટેલ, કમલેશભાઈ,કાંતિભાઈ,જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત,નગરપાલિકાના સદસ્યો,પ્રાંત અધિકારી વિમલ કુમાર બારોટ સહિત લાભાર્થીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.