અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર આવેલી કાલુ શહીદ દરગાહના દબાણને દૂર કરવા માટે ઓથોરિટી દ્વારા આપવામાં આવેલી નોટિસ સામે હાઈકોર્ટમાં રિટ પિટિશન કરવામાં આવી છે. જે રિટમાં હાઇકોર્ટના જસ્ટિસ વૈભવી ડી. નાણાવટીએ કેન્દ્ર સરકારને ફ્રેશ નોટિસ પાઠવી છે અને આ મામલે યથાવત્ સ્થિતિ જાળવી રાખવાના સ્ટેના આદેશને 12મી માર્ચ સુધી લંબાવી આપ્યો છે. હવે આ કેસની વધુ સુનાવણી 12મી માર્ચના રોજ થશે.
અમદાવાદ રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટના કામ માટે કથિત રીતે નડતરરૂપ બનતી દરગાહને તેના અનઅધિકૃત દબાણને દૂર કરવા માટે વેસ્ટર્ન રેલવે અને રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા 26મી ઓક્ટોબરના રોજ હઝરત કાલુ શહીદ દરગાહને નોટિસ પાઠવવામાં આવી હતી કે તેઓ 14 દિવસમાં અનઅધિકૃત દરગાહને દૂર કરે. જેથી ઓથોરિટી તેમનું કામ અડચણ વિના કરી શકે.
આ નોટિસના પગલે દરગાહની સંભાળ કરતા મુજાવર દ્વારા હાઇકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા અને એવી દાદ માગવામાં આવી હતી કે, ઓથોરિટી દ્વારા દરગાહદૂર કરવા માટેની જે નોટિસ પાઠવવામાં આવી છે તેને રદ કરવાનો આદેશ કરવામાં આવે. રિટમાં એવી વચગાળાના દાદ પણ માગવામાં આવી હતી કે જ્યાં સુધી આ રિટનો અંતિમ નિકાલ ન થાય ત્યાં સુધી નોટિસ પર સ્ટેનો આદેશ કરવામાં આવે.
આ રિટમાં એવી રજૂઆત કરાઈ હતી કે, ઓથોરિટી દ્વારા પાઠવવામાં આવેલી નોટિસ વકફના કાયદાની જોગવાઈઓથી વિપરીત છે. કેમ કે, દરગાહ વર્ષ 2002થી વકફની સંપત્તિ છે. એવા સંજોગોમાં વકફ બોર્ડની પૂર્વ મંજૂરી અથવા તો પરામર્શ વિના કોઇ પણ પ્રકારના કાર્યવાહી કરી શકાય નહીં. એટલું જ નહીં, અરજદાર દરગાહને પોતાનો પક્ષ રજૂ કરવાની કોઈ તક પણ આપવામાં આવી નથી અને તેથી કુદરતી ન્યાયના સિદ્ધાંતનો પણ આ નોટિસ ભંગ કરે છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ રેલવે સ્ટેશનના ₹ 3000 કરોડના ખર્ચે થઈ રહેલાં રિનોવેશનના પગલે સ્ટેશન પરિસરમાં આવેલી મંદિર અને મસ્જિદને નોટિસ પાઠવવામાં આવી છે.
અગાઉ આ કેસમાં હાઈકોર્ટે રેલવે ઓથોરિટીને નોટિસ પાઠવી હતી. આગામી સુનાવણી સુધી ઓથોરિટીએ આ પ્રોપર્ટી સંદર્ભે પાઠવવામાં આવેલી નોટિસમાં યથાવત્ સ્થિતિ જાળવી રાખવાનો આદેશ કર્યો હતો.