રાજ્યની પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના બોન્ટાનું શનિદેવ ધામ ભક્તો માટે પવિત્ર સ્થળ છે. જંગલ વિસ્તારમાં આવેલા શનિદેવધામ પરિસરમાં ત્ર્યંબકેશ્વર મહાદેવ, સાંઈબાબા અને કર્મના ફળદાતા તરીકે જાણીતા શનિદેવના મંદિર આવેલા છે. બોન્ટાના શનિધામને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ માનવામાં આવે છે.
દાદરા નગર હવેલીના બોન્ટા ગામમાં શનિદેવ ધામ
દાદરા અને નગર હવેલી ભારતનો એક નાનકડો સંઘ પ્રદેશ છે, જે પશ્ચિમ ભારતના ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યોની વચ્ચે આવેલો છે. આ પ્રદેશ તેની પ્રાકૃતિક સૌંદર્ય, આદિવાસી સંસ્કૃતિ અને ધાર્મિક કેન્દ્રો માટે પ્રખ્યાત છે.
બોન્ટા ગામ, જે દાદરા અને નગર હવેલીના અંતરિયાળ વિસ્તારમાં આવેલું છે, તેના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ માટે જાણીતું છે. દાદરા અને નગર હવેલીમાં એવા ઘણા સ્થળો છે જે પ્રવાસીઓ અને ધાર્મિક શ્રદ્ધાળુઓ માટે આકર્ષણ છે, જેમ કે સત્માલા હિલ્સ, હિરવણ ડેમ, ધૂધની લેક, અને વાંગડ પ્રાકૃતિક અભ્યારણ્ય.
શનિદેવની પ્રતિકૃતિ સમા શનિદેવ અહિં બિરાજમાન
બોન્ટા ગામમાં હજારો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર શનિધામ આવેલું છે. મહારાષ્ટ્રના જાણીતા શનિ શીંગણાપુરના શનિદેવની પ્રતિકૃતિ સમા શનિદેવ અહિં બિરાજમાન છે. બોન્ટાના જંગલ વિસ્તારમાં બાબા રવિનાથ દ્વારા શનિદેવની સ્થાપના કરવામાં આવી હતી. દાદરા નગર હવેલીના છેવાડે આવેલુ બોન્ટા ગામ અને આસપાસનો વિસ્તાર સંપૂર્ણ આદિવાસી વિસ્તાર છે. ડુંગરાળ વિસ્તારમાં આવેલુ બોન્ટા ખૂબ નાનું ગામ છે. વર્ષ 2008માં આ સ્થળ પર શ્રી રવિનાથજી ઉર્ફે, ખંડેશ્વરી મહારાજ નામના એક યોગી પધાર્યા હતા. તેમણે અને સ્થાનિક લોકો આ સ્થળ પર શનિધામ બનાવવાનો નિર્ધાર કર્યો અને2008 માં જ ભૂમિ પૂજન કરી અને નિર્માણ શરૂ કર્યું હતુ.
ત્રંબકેશ્વર મહાદેવ અને સાંઈબાબાના મંદિર આવેલા છે
કુદરતી વાતાવરણમાં આવેલા શનિદેવના ધામમાં શનિદેવ, ત્રંબકેશ્વર મહાદેવ અને સાંઈબાબાના મંદિર આવેલા છે. આમ મહારાષ્ટ્રના તીર્થ સ્થળોના ત્રિવેણી સંગમ સમા ત્ર્યંબકેશ્વર, શિરડી અને શિંગણાપુરને એક જ પરિસરમાં સમાવતું હોય તેમ ત્રણે મંદિરો એક જ પરિસરમાં આવેલા છે. આથી લાખો શ્રદ્ધાળુઓ માટે શનિધામ આસ્થાનું કેન્દ્ર છે. મહારાષ્ટ્રના શનિ શિંગણાપુર, ત્ર્યંબકેશ્વર મહાદેવ અને શિરડીના સાંઈબાબા ધામ વચ્ચે કિલોમીટરોનું અંતર છે. આ ત્રણેય ધામો સુધી જવા કલાકોનો સમય લાગે છે. આ ત્રણેય આસ્થાના કેન્દ્રના એક જ પરિસરમાં દર્શન થઈ જતા બોન્ટાના શનીધામમાં દાદરા નગર હવેલીની સાથે દમણ, ગુજરાત અને મહારાષ્ટ્રથી અનેક શ્રદ્ધાળુઓ દર્શને આવે છે. અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે.
શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. શનિદેવ ભગવાન સૂર્યના પુત્ર અને ભગવાન શિવના પરમ ભક્ત છે. શનિદેવ આ જગતના તમામ જડ અને સજીવ સૃષ્ટિ પર પોતાનો પ્રભાવ ધરાવે છે. ભગવાન શિવના શિષ્ય હોવાને નાતે નાથ પંથમાં પણ શનિદેવ અતિપ્રિય માનવામાં આવે છે. નાથ પંથના સંતો દેશભરમાં ભગવાન શનિદેવના મંદિરોની સ્થાપના કરાવે છે. એ પરંપરાના ભાગરૂપે ખંડેશ્વરી બાબા યોગી રવિનાથજીએ દેશભરમાં 11 શનિ મંદિરો બનાવવાનો નિશ્ચય કર્યો હતો. જેમાંથી દેશનું નવમું શનિ મંદિર દાદરા નગર હવેલીના નાનકડા બોન્ટા ગામમાં બનાવવામાં આવ્યુ છે.
શનિધામ દાદરા અને નગર હવેલીના બોન્ટા ગામમાં સ્થિત એક પ્રખ્યાત ધાર્મિક સ્થળ છે, જે શ્રદ્ધાળુઓ માટે વિશેષ આકર્ષણ ધરાવે છે.
આ મંદિર પરિસરમાં ત્રણ ધામો એકસાથે આવેલાં હોવાથી ભક્તો અહીં મોટી સંખ્યામાં પહોંચે છે અને શ્રદ્ધાભાવે પોતાની માનતાઓ પૂર્ણ કરે છે. બાબા ખેતાનાથ આશ્રમ દ્વારા અહીં વિવિધ તહેવારો અને વિશેષ પ્રસંગોએ સદાવ્રત (અન્નદાન) યોજવામાં આવે છે, જેના કારણે આસપાસના અનેક આદિવાસી પરિવારો માટે આ સ્થાન એક શ્રદ્ધા અને સહાયતા કેન્દ્ર બની ગયું છે.
શનિવારે અને શનિ અમાવસ્યાના દિવસે અહીં વિશેષ મહોત્સવ જેવો માહોલ જોવા મળે છે, જેમાં ભજન, સત્સંગ, હવન-યજ્ઞ અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. ભક્તોની ભીડ અને ભવ્ય ધાર્મિક કાર્યક્રમોને કારણે શનિધામ ભક્તોથી ઊભરાય છે, અને એક મેળા જેવું ચિત્ર સર્જાય છે.
દર શનિવારે મહાપ્રસાદનું આયોજન
શનિધામમાં આવતા ભક્તો શનિદેવને તેલ,તલ સાથે અન્ય સામગ્રી ચડાવી ધન્યતા અનુભવે છે. આ સ્થળ પર શનિદેવની સાથે શિરડી સાઈબાબા અને ત્રંબકેશ્વર મહાદેવની સાથે અન્ય દેવી-દેવતાઓને પણ બિરાજમાન કરવામાં આવ્યા છે. તો આ મંદિરમાં શિવ પરિવાર પણ બિરાજમાન છે. એક જ પરિસરમાં અનેક દેવી-દેવતાઓના દર્શન થઈ જતા હોવાથી દાદરા નગર હવેલી, દમણ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી અસંખ્ય શ્રદ્ધાળુઓ શનિધામ આવે છે. આદિવાસી વસ્તી ધરાવતુ બોન્ટા ખૂબ નાનકડું ગામ છે. સ્થાનિક લોકો માટે પણ બોન્ટાનું આ ધામ શ્રદ્ધા ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આ ધામમાં દર શનિવાર મહા પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. સ્થાનિક ગામ લોકો સહીત અહીં આવતા શ્રદ્ધાળુઓને વિનામુલ્યે સ્વાદિષ્ટ ભોજન કરાવવા માં આવે છે. દાદરા નગર હવેલીમાં ભક્તિ અને આસ્થાના અનેક કેન્દ્રો આવેલા છે. છેવાડાના ડુંગરાળ આદિવાસી વિસ્તારમાં આવેલું બોન્ટાનું શનિધામમાં ભાવિકોની મહિમા વધતા ભક્તોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે.