વૈશ્વિક સ્તરે ડોલર મજબૂત બનશે તો પણ રૂપિયો ડોલર સામે તૂટીને ૮૪થી નીચે નહીં જાય તેવો અંદાજ મૂકવામાં આવ્યો છે. રૂપિયાને ટકાવી રાખવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દરમિયાનગીરી કરશે એમ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક દ્વારા જણાવાયું છે.
રૂપિયાને એકદમ જ ઘટતો અટકાવવા આરબીઆઈ તુરંત જ દરમિયાનગીરી કરે છે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કના ભારતની નાણાં બજાર માટેના વડા પારુલ મિત્તલ સિંહાએ એક ટીવી મુલાકાતમાં જણાવ્યું હતું.
રૂપિયામાં વોલેટિલિટી અટકાવવા રિઝર્વ બેન્ક યોગ્ય નીતિ અપવાની રહી છે. રૂપિયાને ટેકો પૂરો પાડવા આરબીઆઈ સખત લિક્વિડિટી જાળવી રાખશે, સિવાય કે વૈશ્વિક બજારોમાંથી કોઈ મોટા આંચકા આવે અથવા ક્રુડ તેલના ભાવ એકદન ઊંચે જાય તો.
ડોલરમાં અનપેક્ષિત વધારો વિશ્વભરમાં ખલેલ પાડી રહ્યો છે અને ક્રુડ તેલના ભાવની ૧૦૦ ડોલર તરફ આગેકૂચ તેના આયાતકાર દેશો માટે બેવડો પ્રહાર બની ગયો છે. આને કારણે વિશ્વની કેન્દ્રીય બેન્કો પોતાની કરન્સીઝને રક્ષણ પૂરુ પાડવા સક્રિય બની ગઈ છે.
જ્યારે પ્રવાહ બદલાશે અને ડોલર નબળો પડશે ત્યારે રિઝર્વ બેન્ક ફરી ડોલર જમા કરવાનું ચાલુ કરશે અને રૂપિયાને વધુ મજબૂત પણ નહીં બનવા દે, એમ તેમણે ઉમેર્યું હતું.
વોલેટિલિટી ઘટાડવા રિઝર્વ બેન્ક સમતુલિત ભૂમિકામાં રહે છે અને રૂપિયામાં સ્થિરતા પૂરી પાડે છે. એશિયાના ઊભરતા દેશોમાં ડોલર સામે ભારતીય રૂપિયાની કામગીરી અન્ય ચલણો કરતા સારી રહી છે.
જેપી મોર્ગનના બેન્ચમાર્ક ઊભરતી બજારના ઈન્ડેકસમાં ભારતીય બોન્ડસના સમાવેશથી વિદેશી રોકાણકારોનો સહભાગ વધશે એવી પણ તેમણે અપેક્ષા વ્યકત કરી હતી.