નાગરિકતા સુધારા કાયદા (CAA) પર રોક લગાવવાની માગ કરતી અરજી પર સુનાવણી કરવા સુપ્રીમકોર્ટ તૈયાર થઇ ગઇ છે. આ મામલે આગામી 19 માર્ચે સુનાવણી કરવામાં આવશે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી.વાય.ચંદ્રચૂડે આ કેસની સુનાવણી આગામી અઠવાડિયે નક્કી કરવા કહ્યું હતું.
Supreme Court agrees to hear the pleas seeking a stay on the Citizenship Amendment Rules 2024 on March 19. pic.twitter.com/DXcbuDE5c5
— ANI (@ANI) March 15, 2024
કોણે કરી હતી અરજી?
આ અરજી ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) વતી દાખલ કરવામાં આવી હતી. તેણે આ મામલે તાત્કાલિક સુનાવણીની માગ કરી હતી અને કહ્યું હતું કે જ્યારે એકવાર નાગરિકતા આપી દેવાશે તો તેને ક્યારેય પાછી નહીં લઈ શકાય.
2019થી 200થી વધુ અરજી પેન્ડિંગ
2019થી સુપ્રીમકોર્ટમાં દાખલ 200થી વધુ સંબંધિત અરજીઓમાં સીએએની જોગવાઈઓને પડકારવામાં આવી છે. સીએએ ડિસેમ્બર 2019માં સંસદ દ્વારા પસાર કરાયો હતો પણ કેન્દ્ર સરકારે સોમવારે તેને લઇને નિયમો જાહેર કર્યા હતા.
શું છે નાગરિક સંશોધન કાયદો?
આ કાયદો પાંચ વર્ષ પહેલા એટલે કે વર્ષ 2019માં મંજૂર થયો હતો, પરંતુ આજે (માર્ચ 2024)માં તે લાગુ થયો છે. વિરોધ પક્ષોએ આ મુદ્દે ખુબ જ વિરોધ નોંધાવ્યો હતો અને કડક વલણ પણ જોવા મળ્યું હતું. આ કાયદા અંતર્ગત ભારતીય નાગરિકતાની વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે. આ કાયદા હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડનના શિકાર બનેલા બિન મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે. ભારત દેશના નાગરિક કોણ છે તેની પરિભાષા 1955માં એક કાયદો બનાવીને કરવામાં આવી જેને નાગરિકતા અધિનિયમ 1955 નામ અપાયું. મોદી સરકારે આ કાયદામાં સંશોધન કર્યું છે. જેને નાગરિકતા સંશોધન બિલ 2016 નામ આપવામાં આવ્યું છે.
સંશોધન બાદ દેશમાં 6 વર્ષ રહેતા અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના છ ધર્મના (હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ઈસાઈ) લોકોને કોઈ જરૂરી દસ્તાવેજ વગર ભારતીય નાગરિકતા આપવામાં આવશે. પહેલા નાગરિકતા અધિનિયમ 1955 પ્રમાણે જરૂરી દસ્તાવેજ હોય તો જ આ દેશના લોકોને 12 વર્ષ પછી નાગરિકતા મળી શકતી હતી. અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ ત્રણેય ઈસ્લામિક દેશ છે અને ત્યાં હિન્દુ, બૌદ્ધ, શીખ, જૈન, ઈસાઈ અને પારસી ધર્મના લોકો અલ્પસંખ્યક છે. નવા કાયદા હેઠળ 31 ડિસેમ્બર, 2014 સુધી પાડોશી ત્રણેય દેશોથી ઉત્પીડનનો શિકાર થઈને આવેલા લોકોને ભારતની નાગરિકતા મળી શકશે.
પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી મોટી સંખ્યામાં લોકો દાયકાઓથી પલાયન કરીને ભારત આવતા રહે છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં આ લોકો વસવાટ કરી રહ્યા છે, પરંતુ લાખોની આ વસ્તીની પાસે ભારતની નાગરિકતા નથી. જેને લઈને તેમને મૂળભૂત સુવિધા નથી મળી શકતી. તેવામાં આ કાયદો લાગુ થતા શરણાર્થીઓને નાગરિકતા મળશે તો મત આપવા સહિત તમામ વસ્તુઓની સુવિધા તેમને મળશે. આ કાયદો સંસદથી મંજૂર થઈ ચૂક્યો હતો, ત્યારબાદ આજે તેને લાગુ કરાયો છે.