સીટીઝન શિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) અંગે અમેરિકાએ કરેલી ટીકાઓ પર વિદેશમંત્રી,એસ.જયશંકરે સખત વિરોધ દર્શાવ્યો છે. અમેરિકાએ કહ્યું હતું કે આ કાનૂન અમલી કરવા ઉપર અમારી નજર છે. તે અંગે જયશંકરે કહ્યું : આવાં વિધાનો તો ઇતિહાસ જાણ્યા સિવાય જ કરવામાં આવે છે. આ કાનૂન એટલા માટે લાવવો પડયો છે કે હિન્દુસ્તાનનાં વિભાજનથી ઊભી થયેલી સમસ્યાઓનો ઉકેલ આવી શકે, અને તેમાં (વ્યથિત) લોકોને તેથી રાહત મળે કે જેઓને ધર્મના નામે વિભાજન પછી સતાવવામાં આવ્યા હતા. દુનિયા તો એવી વાત કરે છે કે જાણે ભારતનું વિભાજન જ થયું ન હતું. કોઈ સમસ્યા જ ઊભી થઈ ન હતી. વાસ્તવમાં એ કાનૂન તે સમસ્યાઓના ઉકેલ માટે જ લાવવામાં આવ્યો છે. દુનિયામાં એક વર્ગ એવો છે કે જે એક સમસ્યા ઉપસ્થિત કરે છે, પરંતુ તે સાથે જોડાયેલાં તમામ ઐતિહાસિક તથ્યોને હઠાવી દે છે. પછી તેને લઇને સનસનાટી ફેલાવે છે. પછી તેમને રાજકીય રીતે જે સારૂં લાગે તેવું નિવેદન કરે છે, પછી દુનિયાને જ્ઞાાન આપવાનો પ્રયત્ન થાય છે, અને કહે છે કે અમે તો સિદ્ધાંતોનું પાલન કરીએ છીએ, તમારે તો કોઈ સિદ્ધાંતો જ નથી.
ઉલ્લેખનીય છે કે આ પૂર્વે કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે શું મુસ્લીમ દેશોમાં મુસ્લીમો ઉપર જુલ્મ ગુજારાય છે ? જુલ્મો તો બિન-મુસ્લીમો પર જ ગુજારાય છે તેથી તો તેઓ શરણાર્થીઓ તરીકે ભારતમાં આવી વસે છે.
ઇંડીયા ટુડે કોનક્લેવમાં આ કહ્યા પછી અમેરિકી રાજદૂતે એરિકના નિવેદનનો ઉત્તર આપતાં એસ. જયશંકરે કહ્યું તમે કહો છો કે અમારે સિદ્ધાંતો છે તો તેઓ જાણી લે કે, અમારે પણ સિદ્ધાંતો છે. તેઓએ કહ્યું હતું કે અમે અમારા સિદ્ધાંતો છોડી ન શકીએ, તો તેમને કહેવાનું કે, અમે પણ અમારા સિદ્ધાંતો ન છોડી શકીએ. તેઓએ કહ્યું હતું કે લોકતંત્રનો પાયો સમાનતાના સિદ્ધાંતો ઉપર ટકેલો છે. તેટલું જ નહીં પરંતુ તેમણે કહ્યું હતું કે સી.એ.એ. ઉપર અમેરિકાની નજર છે. અમે જોશું કે તે કઇ રીતે અમલી કરાય છે ?
આ પહેલાં પણ અમેરિકી વિદેશ મંત્રાલયે એક નિવેદન પ્રસિધ્ધ કર્યું હતું. ત્યારે ભારતે તેનો વિરોધ કરતાં કહ્યું હતું કે અમારે લોકચર્ચાની જરૂર નથી.
તેમાં પણ અમેરિકી રાજદૂતનાં સિદ્ધાંતોવાળો નિવેદન અંગે સુબ્રમણ્યમ્ જયશંકરે તેમને ખરેખરી સંભળાવી દેતાં કહ્યું કે, ‘અમારે પણ સિદ્ધાંતો છે, તેમાંથી એક સિદ્ધાંત તે છે કે જેઓ ઉપર વિભાજન સમયે અત્યાચારો ગુજારવામાં આવ્યા હતા તેમનું રક્ષણ કરવું.’
નિરીક્ષકો કહે છે કે અમેરિકી રાજદૂતની જીભ સિવાઇ ગઇ હશે, મોં પરથી ઓજસ ઊડી ગયું હશે.