આલ્બેનિયાએ વિશ્વને ચોંકાવીને વિશ્વની પ્રથમ એઆઈ મંત્રીની નિમણૂક કરી છે, જેમનું નામ ડાયેલા છે. ડાયેલા એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પ્રોગ્રામ છે, જેને આલ્બેનિયાની નેશનલ એજન્સી ફોર ઈન્ફોર્મેશન સોસાયટી દ્વારા માઈક્રોસોફ્ટના સહયોગથી વિકસાવવામાં આવ્યો છે. તાજેતરમાં સંસદને સંબોધન કરતી વખતે ડાયેલાએ સ્પષ્ટ કર્યું કે તેમની નિમણૂક માનવોનું સ્થાન લેવા માટે નથી, પરંતુ લોકોની મદદ માટે છે. વિપક્ષ વારંવાર તેમની નિમણૂકને ગેરબંધારણીય ગણાવી રહ્યો છે, જેને લઈ ડાયેલાએ દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે, “હું અહીં કોઈનું સ્થાન લેવા નથી આવી, મારો હેતુ માત્ર પારદર્શિતા અને કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવાનો છે.”
ડાયેલાનું નામ અલ્બેનિયન ભાષામાં ‘સૂર્ય’નો અર્થ દર્શાવે છે. તેને પરંપરાગત આલ્બેનિયન સ્ત્રી વેશભૂષામાં તૈયાર કરવામાં આવી છે અને તેનો ચહેરો તથા અવાજ પ્રખ્યાત અભિનેત્રી અનિલા બિશા પરથી પ્રેરિત છે. વડાપ્રધાન એદી રામાએ 12 સપ્ટેમ્બરના રોજ પોતાની ચોથી કેબિનેટની બેઠક દરમિયાન ડાયેલાની નિમણૂક જાહેર કરી હતી. તિરાનાની સંસદમાં તેને જાહેર ખરીદી મંત્રાલય (Ministry of Public Procurement)ના મંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ નિર્ણય એદી રામા સરકારની ટેક્નોલોજીકલ ઈનોવેશન અને ભ્રષ્ટાચાર વિરોધી છબિને મજબૂત કરવાનો ભાગ છે.
NEW – 🇦🇱 Albania's AI minister Diella addressed parliament, stating not here to replace humans. pic.twitter.com/rhA6solHbK
— Byte (@ByteEcosystem) September 19, 2025
આલ્બેનિયા હાલમાં યુરોપિયન સંઘ (EU)માં જોડાવાની પ્રક્રિયામાં છે, પરંતુ ભ્રષ્ટાચાર તેના માર્ગમાં સૌથી મોટો અવરોધ બની રહ્યો છે. આ જ સંજોગોમાં ડાયેલાની પસંદગી વિશેષ મહત્વ ધરાવે છે. વડાપ્રધાન એદી રામાએ જાહેર કર્યું કે એઆઈ મંત્રી ડાયેલા સરકારના પબ્લિક ફંડિંગ પ્રોજેક્ટ્સ અને ટેન્ડર પ્રક્રિયાની દેખરેખ કરશે. તેમનો વિશ્વાસ છે કે એઆઈની મદદથી ટેન્ડરોમાં 100 ટકા ભ્રષ્ટાચાર દૂર કરી શકાય છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2025ની શરૂઆતમાં જ ડાયેલાને e-Albania નામના સરકારી ડિજિટલ પ્લેટફોર્મ પર લોન્ચ કરવામાં આવી હતી, જ્યાં તેઓ પરંપરાગત વેશભૂષામાં લોકોને વેબસાઇટ ઉપયોગ કરવાની માહિતી આપતા હતા. હવે, આ જ એઆઈ ટેક્નોલોજીને સરકારી ટેન્ડરો અને ખરીદી પ્રક્રિયામાં સામેલ કરવાથી લાંચ, રૂશ્વત અને પક્ષપાતને સંપૂર્ણપણે ખતમ કરવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આલ્બેનિયા સરકારનો આ પ્રયોગ વિશ્વભરમાં એઆઈ આધારિત શાસન અને પારદર્શિતા માટે એક ઐતિહાસિક ઉદાહરણ બની શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel