ભારતીય સૈનિકોની વાપસીના થોડા દિવસો બાદ માલદિવ્સે એ વાત સ્વીકારી છે કે, તેમના સૈનિકો પાસે ભારત દ્વારા આપવામાં આવેલા ત્રણ વિમાનોને ઉડાવવાની ક્ષમતા નથી. રવિવારે સ્થાનિક મીડિયામાં દ્વિપ દેશના રક્ષા મંત્રી ઘાસન મૌમૂનના હવાલે આ સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા છે. મૌમૂનનું કહેવું છે કે, માલદિવ્સના સૈનિકોએ પ્લેન ઉડાવવાની ટ્રેનિંગ શરૂ કરી હતી પરંતુ તેઓ તેને પૂરી નહોતા કરી શક્યા અને હવે સ્થિતિ એ છે કે, તેમનો એક પણ સૈનિક એવો નથી જે ભારત દ્વારા આપવામાં આવેલા પ્લેનને ઉડાવી શકે.
માલદિવ્સ નેશનલ ડિફેન્સ ફોર્સ (MNDF) પાસે હજુ પણ પ્લેન ઉડાવવા માટે સક્ષમ સૈનિક નથી.
એક સવાલનો જવાબ આપતા મૌમૂને કહ્યું કે, ‘અગાઉની સરકાર દરમિયાન થયેલા કરાર હેઠળ કેટલાક સૈનિકોએ ભારત તરફથી મળેલા એક ડોર્નિયર પ્લેન અને બે હેલિકોપ્ટરોને ઉડાવવાની ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું હતું. પરંતુ હજુ પણ એવો કોઈ સૈનિક નથી જે આ પ્લેનને ઉડાવી શકે. તેનું કારણ એ છે કે આ એક ટ્રેનિંગ હતી જેમાં અનેક તબક્કાને પાર કરવું જરૂરી હતું, આપણા સૈનિકો વિવિધ કારણોસર આ ટ્રેનિંગ નહોતી પૂરી કરી શક્યા. તેથી હાલમાં આપણી સેનામાં કોઈ પણ એવો સૈનિક નથી જેની પાસે HAL પ્લેન અને ડોર્નિયર ઉડાવવાનું લાયસન્સ હોય અથવા પ્લેન ઉડાડવામાં સંપૂર્ણ સક્ષમ હોય.’
જો કે, જ્યારે મુઈજ્જુ વિપક્ષમાં હતા ત્યારે તેમની પાર્ટીના વરિષ્ઠ અધિકારીઓએ અગાઉની સરકારની ટીકા કરી હતી અને કહ્યું હતું કે માલદીવની સેનામાં સક્ષમ પાઈલટ છે પરંતુ તેમ છતાં ભારતીય સૈનિકોને વિમાન ઉડાડવા માટે રાખવામાં આવ્યા હતા. પરંતુ હવે તેમની જ સરકારના મંત્રીએ તેના પોલ ખોલી દીધી છે.
ભારતના સૈનિકો પરત ફર્યા, માલદિવ્સની સેના સક્ષમ નથી તો પછી કોણ ઉડાવી રહ્યું પ્લેન?
મૌમૂનની ટિપ્પણીના એક દિવસ પહેલા, માલદીવના વિદેશ મંત્રી મુસા ઝમીરે કહ્યું હતું કે, દ્વિપ દેશમાં 76 ભારતીય સૈનિકોની વાપસી બાદ તેમની જગ્યાએ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ તરફથી મોકલવામાં આવેલા ટેકનિકલ એક્સપર્ટસને લગાવવામાં આવ્યા છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે જ ભારત દ્વારા માલદિવ્સ મોકલવામાં આવેલા હેલિકોપ્ટરોનું નિર્માણ કર્યું હતું.
માલદિવ્સમાં ભારતીય સૈનિકોના જવાનું મુખ્ય કારણ ત્યાંની સેનાને ભારત દ્વારા આપવામાં આવેલા પ્લેનને ચલાવવાની ટ્રેનિંગ આપવાનું હતું. ભારતે પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ અને અબ્દુલ્લા યામીનની સરકાર દરમિયાન માલદિવ્સને બે HAL હેલિકોપ્ટર આપ્યા હતા. બીજી તરફ ડોર્નિયર પ્લેન પૂર્વ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ સોલિહની સરકારમાં ભારત તરફથી માલદિવ્સને મળ્યું હતું.
માલદિવ્સના વિદેશ મંત્રીએ કહ્યું કે, ભારત સાથે થયેલા તાજેતરના કરાર જેમાં સૈનિકોની જગ્યાએ વિમાન સંચાલન માટે ટેકનિકલ એક્સપર્ટસને રાખવામાં આવ્યા છે, તેમાં પણ માલદિવ્સના સૈનિકોને ટ્રેનિંગ આપવાનું સામેલ છે.