ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા વધુ એક વિવાદિત નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ઇતિહાસમાં પ્રથમવાર ઠાકોરજીની આરતીનું સ્થળ બદલવામાં આવ્યું છે. કમિટી દ્વારા કરવામાં આવેલ નિર્ણય મુજબ આરતી સમયે કોઈપણ વારાદારી સિંહાસન કે તેના પાટિયા પર ઉભા રહી શકશે નહી. ત્યારે આજથી તમામ આરતી માટે આ નિર્ણય લાગુ કરવામાં આવ્યો હતો. જેમાં હવેથી સિંહાસન તેમજ પાટિયા પર ઉભા રહી શકાશે નહી અને નીચેથી સન્મુખ ઉભા રહીને વારાદારીઓએ આરતી ઉતારવાની રહેશે.
કેમ લેવાયો નિર્ણય
ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. કારણ કે 22/11/24 ના રોજ આરતી સમયે તપોધન વારાદારીનો ખેસ સળગવાની ઘટના બની હતી. જેમાં તે સમયે વારાદારી નીચે ખસી ગયા હોત તો આ ઘટના ન ઘટી હોત. પરંતુ આરતી ઉતારનાર વારાદારીએ સાથેના વારાદારીને ખસવાનું કહ્યું પરંતુ ખસ્યા ન હતા, જેના કારણે ખેસ સળગ્યો હતો. ત્યારે આ ઘટનાને લઇ મંદિર દ્વારા નવો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ત્યારે હવે આ નવા નિયમની રીતે જો ભગવાન સન્મુખ ઉભા રહી વારાદારી આરતી ઊતરે તો ભક્તોને રણછોડજીના દર્શનમાં મુશ્કેલી વેઠવાની વારી આવી શકે તેમ છે. ત્યારે એક ઘટનાને લઈ લેવાયેલા નિર્ણયને લઈ ભક્તોમાં રોષની લાગણી ફેલાઇ છે. ત્યારે સમગ્ર ઘટનામાં આરતી માટે ડાકોર ટેમ્પલ કમિટીએ પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો.