લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ લગભગ ૩૩૦ બેઠકો પર ઉમેદવારો ઉતારવાની છે. ચૂંટણીના ઈતિહાસમાં આવું પહેલીવાર બનશે કે જ્યારે કોંગ્રેસ આટલી ઓછી બેઠક પર જ ઉમેદવારો મેદાનમાં ઉતારશે. આ મુદ્દે કોંગ્રેસનું કહેવું છે કે આ અમારી નબળાઈ નથી, પરંતુ વ્યૂહરચના છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે ૨૦૦૪ની લોકસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે તે કાળે પણ ગઠબંધન સાથે ચૂંટણી મેદાનમાં ઊતર્યા હતા. તે વખતે પણ ચૂંટણીઓના ઇતિહાસમાં સૌથી ઓછી બેઠક પર કોંગ્રેસ લડી રહી હતી. | તે વખતે પણ અમે અમારા સાથી પક્ષો માટે બેઠકો છોડી હતી. પરિણામ એ આવ્યું કે સરકાર બદલાઈ ગઈ. જોકે વર્ષ ૨૦૨૪નો કોંગ્રેસ ઉમેદવારનો આંકડો તો વર્ષ ૨૦૦૪ કરતાં પણ ખૂબ ઓછો છે. ૨૦૦૪માં કોંગ્રેસે ૪૧૭ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા. ૨૦૦૯માં ૪૪૦ તો ૨૦૧૪માં ૪૬૪ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા. ૨૦૧૯ની ચૂંટણીમાં કોંગ્રેસે લોકસભાની ૪૨૧ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા.
ઉ.પ્રદેશ, મહારાષ્ટ્ર અને બંગાળમાં સહયોગી પક્ષો સાથે બેઠક સમજૂતી
કોંગ્રેસ વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં પોતાના ઇતિહાસમાં સૌથી ઓછી ૩૩૦ બેઠકો પર ઉમેદવાર ઊભા રાખવા જઈ રહી છે તે મુદ્દે પ્રતિક્રિયા આપતાં કોંગ્રેસના નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને બંગાળ જેવા મોટા રાજ્યોમાં સહયોગી પક્ષો સાથે બેઠક સમજૂતી કરી રહ્યા હોવાથી આટલી ઓછી બેઠકો પર ઉમેદવારો નોંધાવ્યા છે. તેમણે કહ્યું કે, ‘મારા શબ્દો યાદ રાખો. વર્ષ ૨૦૧૪માં પણ ૨૦૦૪ જેવી જ સ્થિતિ છે. એક પ્રભાવશાળી ગઠબંધન તૈયાર થાય તે હેતુસર જાણીજોઈને લોકસભાની ઓછી બેઠકો લીધી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ અને ઇન્ડિયાને સ્પષ્ટ બહુમતી મળશે.’