અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રેસીપ્રોકલ ટેરિફને અમલમાં મૂકવા આડે 90 દિવસનો સમય આપ્યો વહે. પરંતુ હજુ પણ ચીન સાથે તેનું ટ્રેડ વોર ચાલુ છે અને આ બધાની અસર ગ્લોબલ માર્કેટ પર જોવા મળી રહી છે. આ ગ્લોબલ માર્કેટના દબાવની અસર ભારતીય માર્કેટમાં પણ વર્તાઇ છે અને આજે અઠવાડિયાના ચોથા દિવસે સેન્સેક્સ નિફ્ટી પર નેગેટિવ અસર પડી છે.
આજે એટલે કે ગુરુવારે સવારે સ્થાનિક શેરબજારની શરૂઆત નબળાઈ સાથે થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં ખુલ્યા. વૈશ્વિક બજારના નબળા સંકેતો અને આઇટી શેરો પરના દબાણને કારણે રોકાણકારોનું સેન્ટિમેન્ટ નબળું પડ્યું. આજે BSE સેન્સેક્સ 206.75 પોઈન્ટના ઘટાડા સાથે 76837.54 પર ખુલ્યો. જ્યારે નિફ્ટી 65.45 પોઈન્ટ ઘટીને 23371.75 ના સ્તરે પહોંચ્યો.
સતત 3 દિવસ ઉછાળા બાદ આજે પડ્યું માર્કેટ
જોકે ગઇકાલે બુધવારે બજારમાં મજબૂત રિકવરી જોવા મળી હતી. બુધવારે સેન્સેક્સ 309.40 પોઈન્ટના વધારા સાથે 77044.29 પર બંધ થયો હતો અને નિફ્ટીમાં પણ 108.65 પોઈન્ટનો વધારો થયો હતો જે તેને 23437.20 પર લઈ ગયો હતો. આ વધારા પાછળનું કારણ બેંકિંગ શેરોનું સારું પ્રદર્શન હતું.
વૈશ્વિક બજારમાં મિશ્ર વલણ
વિશ્વભરના બજારોમાંથી હાલમાં મિશ્ર સંકેતો મળી રહ્યા છે. અમેરિકાની મોટી ચિપ કંપનીઓ જેમ કે Nvidia એ ચેતવણી આપી છે કે ચીનમાં નિકાસ પર અમેરિકાના નવા પ્રતિબંધોને કારણે તેમના ખર્ચમાં વધારો થઈ શકે છે. આ ઉપરાંત ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે કહ્યું છે કે યુએસ અર્થતંત્રમાં મંદીના સંકેતો છે જેના કારણે રોકાણકારોની ચિંતા વધી ગઈ છે. અને તેની અસર ભારતીય માર્કેટ પર જોવા મળી રહી છે.
એશિયન બજારોમાં ફ્લેટ કારોબાર
એશિયાની વાત કરીએ તો ગુરુવારે સવારે MSCIનો એશિયા એક્સ-જાપાન ઇન્ડેક્સ સપાટ હતો. બુધવારે આ પહેલા આ ઇન્ડેક્સ 1% ઘટ્યો હતો. બીજી તરફ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચોક્કસપણે 90 દિવસ માટે કેટલાક રરેસીપ્રોકલ ટેરિફ બંધ કરી દીધા છે પરંતુ ચીન સાથેનું ટ્રેડ વોર હજુ પણ યથાવત છે. જેના કારણે વૈશ્વિક બજારો દબાણ હેઠળ છે.