આખા મહારાષ્ટ્રમાં ટમેટાની ભારે અછત ઉભી થવાને લીધે ભાવમાં ભડકો થયો છે. થોડા મહિના પહેલાં પાણીના ભાવે પણ કોઇ લેવાલ ન મળતા ખેડૂતો ટમેટા ફેંકી દેવા મજબૂર હતા જ્યારે અત્યારે પેટ્રોલથી પણ ઊંચા ભાવે વેંચાય છે. મુંબઇની રિટેલ માર્કેટમાં તો એક કિલો ટમેટાની કિંમત ૧૬૦થી ૧૮૦ રૃપિયા પર પહોંચી ગઇ છે.
નવી મુંબઇની હોલસેલ ભાજીપાલા માર્કેટમાં દરરોજ ૨૦૦થી ૩૦૦ ટન ટમેટાની આવક થતી હતી. પરંતુ મંગળવારે માત્ર ૯૦થી ૯૨ ટન ટમેટાની આવક થઇ હતી. નવી મુંબઇની હોલસેલ માર્કેટમાં પહેલી જુલાઇએ ટમેટાનો દર ૪૫થી ૫૫ રૃપિયા કિલો હતો જે અત્યારે વધીને ૭૦થી ૮૦ રૃપિયા થઇ ગયો છે. અછતની સ્થિતિનો લાભ લઇને છૂટકમાં વેંચતા વેપારીઓ બેફામ નફો ચડાવી રીતસર લોકોના પાસેથી પૈસા ખંખેરવા માંડયા છે પરિણામે રિટેલમાં ટમેટા ૧૬૦થી ૧૮૦ રૃપિયા કિલો વેંચાવા માંડયા છે. સાવ પીળા અને એકદમ હલકી ક્વોલિટીના ટમેટા પણ ૧૦૦થી ૧૧૦ રૃપિયાની આસપાસ વેંચાવા માંડયા છે.
એપીએમસી માર્કેટના સૂત્રોના જણાવ્યા મુજબ નવો પાક આવવાને હજી વાર લાગે એમ હોવાથી બે-ત્રણ મહિના સુધી ટમેટાના દર લાલચોળ અને દઝાડતા જ રહેશે.
મુંબઇ બજાર સમિતિના ડાયરેક્ટર શંકર પિંગળેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં વરસાદને લીધે ટમેટાનું ઉત્પાદન ઘટયું છે એટલે આખા રાજ્યમાં અછત ઉભી થઇ છે. આને કારણે ભાવમાં ઉછાળો આવ્યો છે. હજી ઓછામાં ઓછા પંદર- વીસ દિવસ ભાગમાં તેજી રહેશે.