દુનિયાના ટોચના ઉદ્યોગપતિ ઈલોન મસ્કની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરે ૨૬ એપ્રિલથી ૨૫ મે વચ્ચે ભારતમાં કુલ ૧૧,૩૨,૨૨૮ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. તેના પર બાળ જાતીય શોષણ અને આતંકવાદ સંબંધિત નીતિના ભંગ માટે પ્રતિબંધ મૂકાયો હતો. દરમિયાન ઈલોન મસ્કે રવિવારથી ટ્વિટર પર દૈનિક ટ્વીટ જોવાની મર્યાદા લાગુ કરી છે, જેનાથી ભારે હોબાળો મચી ગયો છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરે જણાવ્યું હતું કે, તેણે પ્રતિબંધ મૂકેલા મોટાભાગના એકાઉન્ટ પર દુર્વ્યવહાર-ઉત્પીડન (૨૬૪), નફરતપૂર્ણ કન્ડક્ટ (૮૪), સંવેદનશીલ એડલ્ટ કન્ટેન્ટ (૬૭) અને માનહાનિ (૫૧)ના કારણોસર પ્રતિબંધ મૂકાયો છે. ટ્વિટરે દેશમાં આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે ૧,૮૪૩ એકાઉન્ટ બંધ કરી દીધા છે. કંપનીએ તેના માસિક રિપોર્ટમાં કહ્યું કે એપ્રિલ-મેના સમય દરમિયાન તેના ફરિયાદ નિવારણ તંત્રના માધ્યમથી કંપનીને ભારતમાં યુઝર્સ તરફથી ૫૧૮ ફરિયાદો મળી હતી.
કંપનીએ આ સપ્તાહે પ્રકાશિત તેના રિપોર્ટમાં કહ્યું કે સ્થિતિની ઝીણવટપૂર્વક સમીક્ષા કર્યા પછી અમે તેમાંથી ૨૫ એકાઉન્ટ પર પ્રતિબંધનો નિર્ણય પલટી નાંખ્યો છે. બાકીના એકાઉન્ટ પર પ્રતિબંધ યથાવત્ રહેશે. નવા આઈટી નિયમ ૨૦૨૧ મુજબ ૫૦ લાખથી વધુ યુઝર્સ વાળા મોટા ડિજિટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે માસિક કોમ્પ્લિયન્સ રિપોર્ટ્સ પ્રકાશિત કરવો જરૂરી છે. ટ્વિટરે કહ્યું હતું કે તેણે ૯૦ ફરિયાદો પર કાર્યવાહી કરી છે, જેમાં એકાઉન્ટ રદ કરવા વિરુદ્ધ અપીલ કરાઈ હતી. ગયા મહિને ટ્વિટરે જાહેરાત કરી હતી કે તેણે ૨૬ માર્ચથી ૨૫ એપ્રિલ વચ્ચે ભારતમાં ૨૫,૫૧,૬૨૩ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માલિક ઈલોન મસ્કે ટ્વિટર પર દૈનિક ટ્વીટ જોવાની મર્યાદા લાગુ કરી દીધી છે. હવે અનવેરીફાઈડ યુઝર્સ દૈનિક માત્ર ૬૦૦ ટ્વીટ જોઈ શકશે જ્યારે માસિક સબસ્ક્રિપ્શન ભર્યું હોય તેવા બ્લુ ટીક ધરાવતા વેરીફાઈડ યુઝર્સ દૈનિક ૬,૦૦૦ ટ્વીટ જોઈ શકશે. મસ્કના આ નિર્ણયથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારે હોબાળો મચી ગયો હતો.
હજારો યુઝર્સે મસ્કની આ નવી નીતિની આકરી ટીકા કરી હતી. જોકે, મસ્કનું કહેવું હતું કે, માઈક્રો બ્લોગિંગ સાઈટ પરથી સંભવિતરૂપે કિંમતી ડેટા ચોરી રોકવા માટે આ પગલું જરૂરી હતું. રવિવારે સવારથી જ તેની અસર દેખાવાનું શરૂ થઈ ગયું હતું. રવિવારે અંદેજ ૭,૫૦૦ થી વધુ યુઝર્સે સોશિયલ મીડિયા પર સર્વિસના ઉપયોગ અંગે ફરિયાદ કરી હતી. આ અંગે દુનિયાના અનેક ભાગોમાં ‘ટ્વિટર ડાઉન’ હેશટેગ ટ્રેન્ડમાં રહ્યું હતું.
આ સિવાય મસ્કે એક દિવસ પહેલાં જ કોઈપણ ટ્વીટ વાંચવા અને પ્રોફાઈલ જોવા માટે માઈક્રો બ્લોગિંગ સાઈટ પર ફરજિયાત લોગ-ઈન કરવાનું લાગુ કરી દીધું છે. ટ્વીટ જોવાની મર્યાદાનો બચાવ કરતાં મસ્કે કહ્યું હતું કે, આપણને ટ્વિટરનું વ્યસન થઈ ગયું છે. લોકોનું આ વ્યસન દૂર કરવાની જરૂર છે. જોકે, તેમણે ઉમેર્યું કે તેઓ નજીકના સમયમાં અનવેરીફાઈડ યુઝર્સ માટે દૈનિક મર્યાદા વધારીને ૮૦૦, વેરિફાઈડ યુઝર્સ માટે ૮,૦૦૦ અને નવા અનવેરિફાઈડ યુઝર્સ માટે ૪૦૦ સુધી કરશે.
ટ્વિટર વૈશ્વિક સ્તરે કલાકો સુધી બંધ રહ્યું, હજારો યુઝર્સ અટવાયા
ટ્વિટરે શનિવારે વૈશ્વિક સ્તરે આઉટેજનો સામનો કર્યો હતો. હજારો યુઝરે ટ્વીટ નહીં કરવી શકવાની ફરિયાદ કરી હતી. ટ્વિટરે શનિવારે વૈશ્વિક સ્તરે આઉટેજનો સામનો કરવો પડયો હતો. સમગ્ર દુનિયામાં હજારો ટ્વિટર યુઝર્સે ટ્વીટ નહીં કરી શકવાની ફરિયાદ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે તેમના એકાઉન્ટ પર ‘કેન નોટ રીટ્રાઈવ ટ્વીટ્સ’ની એરર દર્શાવાય છે. ઈલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મે આ વર્ષમાં ત્રીજી વખત આઉટેજનો સામનો કરવો પડયો છે.
ઓનલાઈન સર્વિસીસમાં અવરોધો પર નજર રાખતી વેબસાઈટ ડાઉન ડીટેક્ટરના જણાવ્યા મુજબ દુનિયાભરમાં અંદાજે ૭,૦૦૦થી વધુ યુઝર્સે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. અનેક યુઝર્સને ફોર યુ ટેબ રીફ્રેશ કરતાં યુઝર્સને ‘રેડ લિમિટ ક્રોસ’નો સંદેશો મળતો હતો.
કંપનીએ આઉટેજ અંગે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી. ટ્વિટરે માર્ચમાં પણ વૈશ્વિક આઉટેજનો સામનો કરવો પડયો હતો. તે સમયે અનેક સિસ્ટમ્સ અને લિંક્સ કામ કરતી અટકી ગઈ હતી. એ જ રીતે ફેબુ્રઆરીમાં ટ્વિટરમાં ટ્વીટ કરવા જેવી પાયાની વસ્તુઓ થઈ શકતી નહોતી. ટ્વિટરમાં વૈશ્વિક સ્તરે આઉટેજના પગલે શનિવારે મેમે બનાવતા હજારો યુઝર્સ સક્રિય થઈ ગયા હતા અને તેમણે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વિટરને ટાર્ગેટ કરતા રસપ્રદ મેમે બનાવ્યા હતા.