વિસાવદરથી આમ આદમી પાર્ટીના (AAP) ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના કાનૂની દસ્તાવેજોની કામગીરી સંભાળતા પાર્ટીના જોઇન્ટ સેક્રેટરી અને લીગલ એડવાઇઝર ધર્મેશ કાનાણી સામે મોટું કૌભાંડ બહાર આવ્યું છે. મામલતદારે પોલીસમાં ફરિયાદ દાખલ કરતાં, પોલીસે ધર્મેશ કાનાણી તથા મનસુખ પાટરીયાની ધરપકડ કરી છે. આરોપ છે કે કોર્ટમાં જામીન માટે જરૂરી સોલવન્સી સર્ટિફિકેટ મેળવવા માટે કાનાણી અને પાટરીયાએ બેન્કના સર્ટિફિકેટમાં છેડછાડ કરીને નકલી દસ્તાવેજો તૈયાર કર્યા હતા.
માહિતી મુજબ, મનસુખ પાટરીયાને કોર્ટમાં જામીન માટે ₹75,000ના સોલવન્સી સર્ટિફિકેટની જરૂર હતી. પરંતુ તેની મિલકત પર પહેલેથી જ યુનિયન બેન્કનું ₹3,36,997નું લોન બાકી હતું. આથી તેની મિલકતની કિંમત માત્ર ₹64,730 જ રહેતી હતી, જે જરૂરી રકમ કરતાં ઓછી હતી. કાયદેસર રીતે સર્ટિફિકેટ મળી શકતું ન હોવાથી, મનસુખે ધર્મેશ કાનાણીનો સંપર્ક કર્યો અને ₹7,000માં ખોટું સર્ટિફિકેટ કાઢી આપવાનો સોદો કર્યો. કાનાણીએ સર્ટિફિકેટમાં છેડછાડ કરીને લોનની રકમમાંથી આગળનો “3”નો આંકડો કાઢી નાખ્યો અને બાકીનું લોન માત્ર ₹36,997 બતાવ્યું. આ ખોટા આંકડા આધારે બોગસ બેન્ક સર્ટિફિકેટ બનાવ્યું. ત્યારબાદ, પોતાના નામે સ્ટેમ્પ પેપર ખરીદી નકલી સોગંદનામું તૈયાર કરીને આ દસ્તાવેજો મામલતદાર કચેરીમાં સોલવન્સી સર્ટિફિકેટ મેળવવા માટે રજૂ કરાયા.
દસ્તાવેજોની ચકાસણી દરમિયાન અધિકારીઓને શંકા આવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી અને આખું કૌભાંડ બહાર આવ્યું. મામલતદાર આર.એન. ખોડભાયા તથા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે આ અંગે તરત જ પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા અને તેમની “કાનાણી એડવાઇઝર” નામની ઓફિસમાંથી સ્ટેમ્પ, રજીસ્ટર તેમજ અન્ય મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા.
આ મામલે SOGએ ધર્મેશ કાનાણી અને મનસુખ પાટરીયા વિરુદ્ધ IPCની કલમ 465 (ખોટા દસ્તાવેજો બનાવવું), 467 (કિંમતી જામીનગીરીની બનાવટ), 471 (બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરવો), 193 (ખોટા પુરાવા આપવા), 196 (ખોટા પુરાવાનો ઉપયોગ કરવો) તથા 511 (ગુનાનો પ્રયાસ) હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ બંને સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.
વિશેષ એ છે કે ધર્મેશ કાનાણી AAPના સક્રિય કાર્યકર્તા છે અને જૂનાગઢ જિલ્લામાં લીગલ સેક્રેટરી તરીકે હોદ્દો સંભાળે છે. તેઓ ગોપાલ ઇટાલિયાના તમામ કાનૂની દસ્તાવેજો સંભાળતા હતા અને વિસાવદર ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાના PA તરીકે પણ કાર્યરત રહ્યા હતા. તમામ દસ્તાવેજો તેમની ઓફિસમાંથી જ ટાઇપ થતા હતા. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને આરોપીઓના સંપર્કો તથા અન્ય સંડોવણી અંગે પણ ખંગાળ કરી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel