હજુ તો ચોમાસુ શરૂ પણ નથી થયું ત્યાં તો મનપાની વિશિષ્ઠ પ્રકારની કામગીરી સામે આવી છે. નવસારીમાં શનિવારે વહેલી સવારે આવેલ ભારે પવન અને વરસાદને કારણે રેલવે સ્ટેશન પાસે રૂ.110 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ઓવરબ્રિજના પૂર્વ તરફ પ્રવેશ દ્વારે પાણી ભરાઈ ગયા હતા. હાલમાં ઓવરબ્રિજની દીવાલ લંબાવવાની કામગીરી ચાલી રહી છે. જેને લઈને પ્રવેશદ્વાર પાસે રસ્તો સર્પાકાર બની ગયો છે. જેના કારણે પાણી ભરાયું હતું. ગત વર્ષે પણ ચોમાસામાં પાણી ભરાઈ જવા પામ્યું હતું. તો 15 દિવસ અગાઉ આવેલ માવઠાને કારણે દર વર્ષની જેમ ગરનાળામાં પાણી ભરાઈ જવાને કારણે તેમાં પુરાણ કરી તેની ઊંચાઈ વધારવામાં આવી હતી. પણ પાણીના યોગ્ય નિકાલ માટે કોઈ જ કામગીરી કરવામાં ન આવતા ગરનાળામાં ફરી પાણી ભરાઈ ગયા છે તો હાલમાં જ બનાવેલ અંડરપાસની સ્થિતિ પણ આવી જ છે. થોડા સમય પહેલા જ નાગરિકો માટે શરૂ કરાયેલ અંડરપાસમાં પણ પાણી ભરાઈ જવા પામ્યું હતું.
રેલવે ફાટક બંધ કર્યા બાદ નાગરિકો પાસે ઓવરબ્રિજ, અંડરપાસ અને ગરનાળાનો વિકલ્પ છે પણ તેમાં આ સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જવા પામશે તો ચોમાસા દરમિયાન નાગરિકો કેવી રીતે એક તરફથી બીજી તરફ જશે તે બાબત વિચારવા લાયક છે.