Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 28°C

અમેરિકાએ પાકિસ્તાનને AMRAAM મિસાઇલો આપવાના અહેવાલોનું ખંડન કર્યું

અમેરિકાએ પાકિસ્તાનને AMRAAM મિસાઇલો આપવાના અહેવાલોનું ખંડન કર્યું

તાજેતરમાં કેટલાક આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલોમાં એવું દાવો કરવામાં આવ્યું હતું કે અમેરિકા પાકિસ્તાનને અદ્યતન AIM-120 AMRAAM (Advanced Medium-Range Air-to-Air Missiles) આપવાનો છે, જેના કારણે દક્ષિણ એશિયામાં સુરક્ષાત્મક સંતુલન અંગે ચર્ચા શરૂ થઈ હતી. પરંતુ હવે આ દાવાઓ સંપૂર્ણપણે ભ્રામક અને ખોટા હોવાનું સાબિત થયું છે. ભારત સ્થિત અમેરિકી દૂતાવાસ અને યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ વોર સ્પષ્ટપણે જણાવ્યું છે કે પાકિસ્તાનને કોઈ નવી AMRAAM મિસાઇલ્સ આપવામાં આવી રહી નથી, તેમજ આવો કોઈ નવો કોન્ટ્રાક્ટ પણ થયેલો નથી.

મૂળ વિવાદની શરૂઆત 30 સપ્ટેમ્બર 2025ના રોજ અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ વોર દ્વારા જારી કરાયેલા એક સામાન્ય કોન્ટ્રાક્ટ અપડેટથી થઈ હતી. આ અપડેટમાં રેથિયોન કંપનીને $41.6 મિલિયન (અંદાજે ₹347 કરોડ)ના મોડિફિકેશન (P00026) આપવામાં આવ્યું હતું, જે અગાઉના $2.52 અબજના કોન્ટ્રાક્ટનો એક ભાગ છે. આ કોન્ટ્રાક્ટ હેઠળ AIM-120 AMRAAM મિસાઇલ્સના C8 અને D3 વેરિયન્ટ્સના ઉત્પાદન અને જાળવણી સંબંધિત કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામ ટુસ્કોન (એરિઝોના)માં થશે અને 30 મે 2030 સુધી પૂર્ણ થશે.

આ જાહેરાતમાં 30થી વધુ દેશોના નામ સામેલ હતા — જેમાં યુનાઇટેડ કિંગડમ, જર્મની, પોલેન્ડ, જાપાન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા, ઇઝરાયેલ તેમજ પાકિસ્તાન જેવા દેશોનો સમાવેશ હતો. આ બધા દેશો Foreign Military Sales (FMS) કાર્યક્રમ હેઠળ આવે છે, જે કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ છે — જે દેશો પાસે અમેરિકી હથિયારો છે, તેમને જાળવણી, ટેકનિકલ સહાય અને સ્પેર પાર્ટ્સ પૂરાં પાડવા. પરંતુ અનેક મીડિયામાં આ માહિતીનું ભ્રામક રીતે રજૂકરણ થયું અને એવું દર્શાવાયું કે જાણે પાકિસ્તાનને નવી AIM-120 AMRAAM મિસાઇલ્સની ડિલિવરી થવાની છે, જેનાથી પાકિસ્તાન એરફોર્સના F-16 ફાઇટર જેટ્સને અપગ્રેડ મળશે.

આ ગેરસમજને દૂર કરવા માટે 10 ઑક્ટોબર 2025ના રોજ અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ વોરે સત્તાવાર પ્રેસ રિલીઝ જારી કરી. તેમાં સ્પષ્ટ લખાયું હતું કે —

“30 સપ્ટેમ્બર 2025ના રોજ ડિપાર્ટમેન્ટ ઑફ વોરે જે કોન્ટ્રાક્ટ અનાઉન્સમેન્ટ જાહેર કર્યું હતું, તે માત્ર પહેલેથી જ રહેલ વિદેશી લશ્કરી વેચાણ (FMS) કરારોના જાળવણી અને સ્પેરપાર્ટ્સ સંબંધિત ભાગોમાં થયેલા ફેરફારોને લગતું હતું. આ ફેરફારોમાં ક્યાંય પણ પાકિસ્તાનને નવી એડવાન્સ્ડ મીડિયમ-રેન્જ એર-ટુ-એર મિસાઇલ્સ (AMRAAM) આપવાનો ઉલ્લેખ નથી.”

પ્રેસ રિલીઝમાં વધુમાં ઉમેરાયું કે પાકિસ્તાન પાસે પહેલેથી જ જે હથિયારો અને સિસ્ટમ્સ છે, તેમાં કોઈ નવા અપગ્રેડ અથવા સુધારા પણ થવાના નથી. એટલે કે આ આખી માહિતી માત્ર ટેક્નિકલ જાળવણી અને સપોર્ટ સુધી મર્યાદિત છે, ન કે નવા હથિયારોની સપ્લાય સુધી.

ઉલ્લેખનીય છે કે AIM-120 AMRAAM મિસાઇલ પ્રથમવાર 1991માં અમેરિકી વાયુસેનામાં દાખલ કરવામાં આવી હતી. આ મિસાઇલ F-15, F-16, F/A-18 અને નવી પેઢીની F-35 જેટ્સ સાથે પણ ઉપયોગમાં લેવાય છે. તેની રેન્જ 100 કિલોમીટરથી વધુ છે અને તે બિયંડ વિઝ્યુઅલ રેન્જ (BVR) એન્ગેજમેન્ટ ક્ષમતા ધરાવે છે. પાકિસ્તાન પાસે હાલમાં AIM-120C-5 વેરિયન્ટ છે, જે તેને 2000ના દાયકાની શરૂઆતમાં આપવામાં આવ્યો હતો. હાલના કોન્ટ્રાક્ટનો હેતુ માત્ર આ જૂના વેરિયન્ટની જાળવણી અને ટેક્નિકલ સપોર્ટ પૂરો પાડવાનો છે, ન કે નવી C8 અથવા D3 વર્ઝન મિસાઇલ્સની સપ્લાય કરવાનો.

અંતમાં, અમેરિકાના સ્પષ્ટીકરણ બાદ આ મુદ્દે ઉદ્ભવેલી ગેરસમજ અને રાજકીય ચર્ચાઓને અંત મળ્યો છે. યુએસ દૂતાવાસે પણ ભારપૂર્વક જણાવ્યું કે “અમેરિકા દક્ષિણ એશિયામાં સ્થિરતા અને સંતુલન જાળવવા માટે પ્રતિબદ્ધ છે,” અને પાકિસ્તાનને કોઈ નવી હુમલાખોર ક્ષમતાઓ પૂરી પાડવાનો પ્રશ્ન જ ઉદ્ભવે નહીં.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.