ગોપનાથમાં રામકથામાં નરસિંહ મહેતા પ્રસંગ વંદના સાથે શિવ વિવાહ વર્ણન કરતાં મોરારિબાપુએ ભક્તિ યુવાન જ હોય, જ્ઞાન અને વૈરાગ્ય વૃધ્ધ હોઈ શકે તેમ જણાવ્યું.
ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં રામકથા ‘માનસ ગોપનાથ’ લાભ મળી રહ્યો છે. કથાના છઠ્ઠા દિવસે મોરારિબાપુ દ્વારા રામકથામાં ભક્ત કવિ નરસિંહ મહેતા પ્રસંગ વંદના સાથે શિવ વિવાહ વર્ણન કરતાં મોરારિબાપુએ ભક્તિ યુવાન જ હોય, જ્ઞાન અને વૈરાગ્ય વૃધ્ધ હોઈ શકે તેમ જણાવ્યું. નરસૈંયાના સ્વરૂપ ચિત્ર સંદર્ભે થયેલા ચિંતનમાં મોરારિબાપુએ ભાગવતનો ઉલ્લેખ કરી પથ્થર, ધાતુ, લીંપણ, ચિત્ર તેમજ મનોમય વગેરે આઠ મૂર્તિ સ્વરૂપો વિશે સવિસ્તાર જણાવ્યું અને હળવી ટકોર સાથે નરસિંહ મહેતાની મનોમયી મૂર્તિ ઊભી કરવાં ભાવ જણાવ્યો. આમ, ભક્તિનું સ્વરૂપ યુવાન ગણાવ્યું.
મોરારિબાપુએ કૃષ્ણના સુદર્શન અને પાંચજન્ય ઉલ્લેખ કર્યો. પાંચજન્ય વિશે વ્યાખ્યા કરી કહ્યું કે, પાંચેય ઈન્દ્રિયોથી વાણી અને વર્તનથી નીકળતો સકારાત્મક નાદ એટલે પાંચજન્ય.
તુલસીની ચોપાઈ દોહા રચનાને મંત્રાત્મક, સૂત્રાત્મક વગેરે મહિમાવાન ગણાવી માનસ કથા પ્રવાહમાં આજે ભરદ્વાજજી અને જ્ઞાનવલ્કજી સંવાદમાં આગળ વધતાં શિવજી વિવાહ પ્રસંગનું ભાવવાહી રસાળ વર્ણન થયું.
ગોપનાથના દિવ્ય ચેતના સ્થાનમાં રામકથામાં મહંતો આત્માનંદજી સરસ્વતી તથા સિતારામબાપુ, રઘુરામ બાપા સાથે ધાર્મિક મહાનુભાવો અને અગ્રણીઓ કલાકારો ભારતીબેન વ્યાસ, પરેશભાઈ વ્યાસ, માયાભાઈ આહિર, જગદીશભાઈ ત્રિવેદી, દિગુભા ચુડાસમા, મેરાણભાઈ ગઢવી વગેરે સાથે મોટી સંખ્યામાં ભાવિક શ્રોતાઓ કથામૃત લાભમાં જોડાયાં.
નિમિત્તમાત્ર મનોરથી રમાશંકર બાજોરિયા અને શુભોદય બાજોરિયા પરિવાર દ્વારા યોજાયેલ આ રામકથા આયોજન સેવા સંકલનમાં ભરતભાઈ ચાંદ્રાણી, ચીમનભાઈ વાઘેલા સાથે ગોપનાથ મહાદેવ બન્ને ગાદી સંસ્થાઓનાં સેવક કાર્યકર્તાઓ વ્યસ્ત રહ્યાં છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel