ભરૂચ શહેરમાં આવેલ એક ખાનગી હોસ્પિટલમાં બનેલો આ કિસ્સો હાલ સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. માહિતી મુજબ, હોસ્પિટલમાં ડોકટરના ડ્રાઈવર તરીકે નોકરી કરતો મકતમપુર વિસ્તારનો એક મુસ્લિમ યુવક, જે પહેલેથી જ બે સંતાનોનો પિતા હતો, તેણે પોતે અપરિણીત હોવાનું જણાવી હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં નોકરી કરતી હિન્દુ પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી હતી. માર્ચ 2023થી શરૂ થયેલા આ સંબંધમાં યુવકે પરિણીતાના વિશ્વાસને જીતવા માટે પોતે કુંવારો હોવાનું જણાવી ખોટો ભ્રમ ઊભો કર્યો હતો.
યુવાન પરિણીતાના લગ્ન થયા હતા, પરંતુ તે પોતાના પતિથી અલગ રહેતી હતી. આ પરિસ્થિતિનો લાભ લઈ યુવકે તેને ધીમે ધીમે પોતાના પ્રેમજાળમાં ફસાવી લીધી અને બાદમાં અમદાવાદ લઈ જઈ નિકાહ કર્યા હતા. નિકાહ બાદ યુવકે પરિણીતાને વડોદરા અને અજમેરની હોટલોમાં લઈ જઈ વારંવાર શારીરિક શોષણ કર્યું હતું. થોડા દિવસો બાદ પરિણીતાને ખબર પડી કે જે યુવકને તેણે જીવનસાથી તરીકે સ્વીકાર્યો હતો, તે વાસ્તવમાં પહેલેથી જ બે સંતાનોનો પિતા છે. આ સત્ય બહાર આવતા યુવકે હોસ્પિટલની નોકરી છોડી દીધી અને ત્યાંથી ગાયબ થઈ ગયો.
ત્યારબાદ યુવતીનો સંપર્ક તૂટતાં તેણે અનેક વાર તેના ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ યુવકનો ફોન સતત સ્વિચ ઓફ રહ્યો. અંતે યુવતી ભરૂચ એ-ડિવિઝન પોલીસ મથકે પહોંચી હતી અને તા. 7 ના રોજ કાયદેસરની કાર્યવાહી માટે અરજી આપી હતી. પોલીસ હરકતમાં આવી અને યુવકને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન યુવકે હિન્દુ પરિણીતાને પોતે અપનાવી લેશે તેવી મૌખિક બાંયધરી આપતા પોલીસે તાત્કાલિક કોઈ કાયદેસર પગલું લીધું ન હતું.
આ દરમિયાન જાણવા મળ્યું કે પરિણીતાને તેના પતિએ કાયદેસર છૂટાછેડા આપ્યા નથી, તેમ છતાં તેને વચગાળાના ભરણપોષણ રૂપે ₹5 લાખ આપ્યા હતા, જે પૈસા પણ મુસ્લિમ યુવકે ટુકડાઓમાં લઈ પચાવી નાખ્યા હતા. આથી સ્પષ્ટ થાય છે કે યુવકે માત્ર ધર્માંતર માટે નહીં, પરંતુ આર્થિક ફાયદો મેળવવા માટે પણ છેતરપીંડી કરી હતી.
પોલીસે શરૂઆતમાં આ કેસમાં સમાધાનકારી વલણ અપનાવ્યું હતું. ભોગ બનેલી યુવતીએ બે દિવસ પહેલા લેખિતમાં ગંભીર આક્ષેપો સાથે અરજી આપી હતી. ત્યારબાદ પોલીસએ યુવકને બોલાવી પૂછપરછ કરતાં પૂરો કિસ્સો ખુલ્લો પડી ગયો હતો. છતાં, યુવકે અને ફરીયાદીએ મૌખિક સમાધાન કર્યું હોવાનું જણાવી પોલીસ સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરીને આરોપીને છોડી મૂકવામાં આવ્યો હતો.
ભરૂચ એ-ડિવિઝનના પીઆઈ આર.એમ. વસાવાએ જણાવ્યું હતું કે, “મૌખિક સમાધાન થયું હોવાથી અમે સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરીને આરોપીને જવા દીધો છે.” જોકે, કાયદાકીય દ્રષ્ટિએ આ પ્રકારની સમાધાનકારી કાર્યવાહી પર પ્રશ્નચિહ્નો ઉભા થયા છે, કારણ કે યુવતીના ધર્માંતર, છેતરપીંડી અને શોષણના આક્ષેપ ગંભીર સ્વરૂપના છે. સ્થાનિક સ્તરે લોકોમાં પણ આ મુદ્દે પોલીસની કામગીરી અંગે નારાજગી અને ચર્ચા વ્યાપી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel